દિવાળી તેમજ નુતાનવર્ષની શુભકામનાઓ આપવા માટે રાજકીય પક્ષો અને નેતાઓ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જોકે આવા કેટલાક કાર્યક્રમોમાં રાજકીય જાણે અજાણે રાજકીય દ્વેશભાવ સામે આવી જાય છે. જેમાં વાઘોડિયા ધારાસભ્યના સ્નેહમિલન કાર્યક્રમની પત્રિકામાં આ પ્રકારની વૃત્તિ સ્પષ્ટ જણાઈ આવી હતી.
વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને હજી વિધિવત ભાજપમાં પ્રવેશ મળ્યો નથી.ધારાસભ્યએ ચૂંટણીના પરિણામ બાદ ભાજપ સરકારને સમર્થન જાહેર કર્યુ હતું. જોકે તેઓને હાલ સુધી પ્રદેશના નેતા દ્વારા ખેસ ધારણ કરાવીને પક્ષમાં આમંત્રિત કરવામાં આવ્યા નથી. અન્ય ભાજપના ધારાસભ્યોને રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણીમાં કેટલીક જવાબદારીઓ પણ સોંપવામાં આવે છે. જોકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાની તેમાં પણ બાદબાકી કરવામાં આવે છે. છતાંય ભાજપને બહારથી સમર્થન જાહેર કરનાર ધર્મેન્દ્રસિંહ બાપુ, ભાજપના કાર્યક્રમોમાં અચૂક હાજરી આપે છે. પોતાના પોસ્ટર બેનરમાં પણ ભાજપના નેતાઓના ફોટો તેઓ પ્રકાશિત કરે છે.તાજેતરમાં સ્નેહમિલન કાર્યક્રમની નિમંત્રણ પત્રિકામાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી,અમિત શાહ, સહિત રાષ્ટ્રીય નેતાગીરી અને પ્રદેશ પ્રમુખ મુખ્યમંત્રી તેમજ જીલ્લા પ્રમુખ અને સાંસદની તસવીરો પ્રકાશિત કરવામાં આવ્યા છે.
Advertisement
અપક્ષ ધારાસભ્યની આ નિમંત્રણ પત્રિકામાં જીલ્લા ભાજપ મહામંત્રીઓ,મંત્રીઓ, વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ, વાઘોડિયા તાલુકાના જીલ્લા પંચાયત સભ્યો,વાઘોડિયા તાલુકા પંચાયતના હોદ્દેદારો,વડોદરા તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે ખૂબ ચોકસાઈ થી જીલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડાના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. જેને લઈને જીલ્લાના રાજકારણમાં ભારે ચર્ચા ચાલી છે.
24 નવેમ્બર,શુક્રવારે સાંજે 4.30 કલાકે, વાઘોડિયાના અમોદર ગામે હરસિધ્ધિ ફાર્મમા યોજાનાર સ્નેહમિલન કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખની ખૂબ બારીકાઈથી બાદબાકી કરવામાં આવી છે. જેનાથી જીલ્લા ભાજપમાં ચાલી રહેલી જુઠબંધીના પણ દર્શન થયા છે. જો આ ફક્ત વિધાનસભા કક્ષાનો “ભાજપ”નો સ્નેહમિલન કાર્યક્રમ હોય તો વાઘોડિયા વિધાનસભામાં ભાજપના ચિન્હ સાથે ચૂંટણી લડેલા અશ્વિન પટેલ કોયલીને કેમ આમંત્રિત ન કરાયા? અને જીલ્લા કક્ષાનો કાર્યકમ ગણીએ તો જીલ્લા પંચાયત પ્રમુખની કેમ બાદબાકી? એવા અનેક સવાલો ઉભા થાય છે.