વડોદરા મહાનગર છેલ્લા ત્રણ વર્ષથી સ્વચ્છતા સર્વેક્ષણની રાષ્ટ્રીય સ્પર્ધામાં પાછળ ધકેલાઈ રહ્યું છે. જયારે સ્વચ્છતાના તમામ માપદંડોમાં ઉતરતા જતા વડોદરાને ટોપ 20માં સ્થાન મળે તે હેતુથી ફક્ત કન્સલ્ટીંગ માટે પાલિકા 1.16 કરોડનો ખર્ચ કરીને કન્સલ્ટન્ટને હાયર કરશે. જોકે નવાઈની વાત એ છે કે, સ્વચ્છતા સર્વેક્ષણ 2024 હાલ ચોથા ક્વાર્ટરમાં પહોચવાની તૈયારી છે ત્યારે પાલિકા દ્વારા કરવામાં આવનાર કન્સલ્ટીંગ ખર્ચ લેખે લાગશે કે કેમ?
વડોદરા મહાનગર દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણની સ્પર્ધામાં પાછળ ધકેલાઈ રહ્યું છે. જેમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ,સસ્ટેનેબલ સેનિટેશન, વેસ્ટ વોટર મેનેજમેન્ટ, IEC એક્ટીવીટી એન્ડ કેપેસીટી બિલ્ડીંગ એમ મુખ્ય ચાર ઘટકોમાં વડોદરા મહાનગર પાલિકા સ્કોર કરી શક્યું નથી. વર્ષ 2021માં જ્યાં વડોદરાનું દેશભરમાં 8મુ સ્થાન હતું ત્યાં વર્ષ 2022માં 14માં સ્થાન પર ધકેલાઈ ગયું હતું. ટોપ 20માં સ્થાન મેળવવું ખુબ મહત્વનું હોય છે ત્યારે વર્ષ 2023માં વડોદરાએ ટોપ 20 માંથી પણ સ્થાન ગુમાવી દીધું હતું.
આ સામે સુરત મહાનગર છેલ્લા ત્રણ વર્ષથી દેશના સૌથી સ્વચ્છ મહાનગરોમાં બીજું સ્થાન ટકાવી સખવામાં સફળ થયું છે. જયારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણના મુખ્ય ચાર માપદંડો જાળવી રાખવામાં પણ સફળ રહ્યું નથી. શહેરની સ્વચ્છતાની હાલત દિવસેને દિવસે કથળતી જઈ રહી છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં કચરાને બદલે માટી ઉમેરીને વજન વધારે દર્શાવી ઈજારદારો પાલિકાના કરોડો ખંખેરી રહ્યા છે. જયારે કચરાના ઓપન સ્પોટ પણ વધ્યા છે.
આ તમામ નિષ્ફળતાઓ માંથી બહાર નીકળવા માટે સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના ચોથા ક્વાર્ટર સુધી પહોચતા પાલિકાને જ્ઞાન લાધ્યું કે, આ માટે કન્સલ્ટીંગ લેવું જોઈએ! અને તે માટે કન્સલ્ટન્ટ હાયર કરવા ભાવો મંગાવવામાં આવ્યા, જેમાં ઇન્દોરની BRAIN ABOVE INFOSOL Pvt. Ltd કંપનીને કન્સલ્ટીંગનું કામ સોંપવાની દરખાસ્ત શુક્રવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં રજુ કરવામાં આવનાર છે.
ફક્ત કન્સલ્ટીંગ માટે 1.16 કરોડનો માતબર ખર્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રશ્ન એ છેકે, કન્સલ્ટન્ટ એજન્સી પાસેથી પાલિકા કન્સલ્ટીંગ કર્યા બાદ તેનું ઈમ્પ્લીમેન્ટ ક્યારે કરશે. સ્વચ્છતા સર્વેક્ષણ 2024 તેના ચોથા ચરણ નજીક છે ત્યારે કન્સલ્ટીંગ મેળવ્યા બાદ તેના અનુકરણ માટે લાગનાર સમય પછી વડોદરાને ટોપ 20માં સ્થાન મળશે કે કેમ? કે પછી કન્સલ્ટીંગના નામે 1.16 કરોડ કચરામાં જશે?