આમંત્રણ પત્રિકામાં ડભોઇનગર પાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી અને ડભોઇ નગરપાલિકા પ્રમુખ બિરેનકુમાર શાહના જ નામો છે
વડોદરા ગ્રામ્યમાં આવતા દર્ભાવતી (ડભોઇ) નો પોતાનો 100 વર્ષ જુનો ઇતિહાસ હોવાનું મનાય છે. ત્યારે હાલના ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) દ્વારા તેમના મતવિસ્તારમાં અસંખ્ય વિકાસકાર્યો કરવામાં આવ્યા છે. ડભોઇ નગર પાલિકાને નવીન બિલ્ડીંગ મળે તે માટે તેમણે સરકારમાં રજૂઆતો કરતા સરકાર દ્વારા પાંચ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. ત્યાર બાદ શિનોર ચોકડી, મોહન પાર્ક સોસાયટી પાસે નવીન નગરપાલિકા બિલ્ડીંગ બનીને તૈયાર થતાં તેના લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પરંતુ તેની આમંત્રણ પત્રિકામાંથી સૌના આશ્ચર્ય વચ્ચે ધારાસભ્ય શૈલેષ સોટ્ટાનું નામ જ ગાયબ છે. જેના કારણે પંથકમાં તરહ તરહની લોકચર્ચાઓએ સ્થાન લીધું છે. લોકચર્ચા એવી પણ છે કે, આમંત્રણ પત્રિકામાં માત્ર પ્રમુખ અને ચીફ ઓફિસર નું નામ હોવાથી લોકાર્પણ કોના હસ્તે કરવામાં આવશે ?. જો કે બિલ્ડીંગની તક્તીમાં ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના નામની તક્તી લગાડવામાં આવી હોવાનું સપાટી પર આવ્યું છે.
વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇ (દર્ભાવતી) માં સતત ધારાસભ્ય શૈલેષ સોટ્ટા ચૂંટાઇને આવે છે. તેમના ચૂંટાઇને આવ્યા પછી વિસ્તારમાં અનેક વિકાસના કાર્યો થયા છે. ચાણોદ કરનાળી ક્ષેત્રને વિકસાવવાનું હોય કે પછી ડભોઇ પાલિકાના નાના-મોટા વિકાસના કામો હોય, તેઓ તેને હાથમાં લઇને પૂરા કરવા માટે જાણીતા છે. અગાઉ ડભોઇ નગર પાલિકાની બિલ્ડીંગ ખસ્તા હાલતમાં હોવાથી તેમણે સરકારમાં નવી બિલ્ડીંગ માટેની ધારદાર રજુઆતો કરી હતી. જેના ફળ સ્વરૂપે રૂ. 5 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી. ગ્રાન્ટ મળતા જ પુરજોશમાં બાંધકામ શરૂ થયું હતું.
25, જાન્યુઆરી – 2025 ના રોજ આ બિલ્ડીંગનું લોકાર્પણ રાખવામાં આવ્યું છે. પરંતુ જે વ્યક્તિની મહેનર રંગ લાવતા આ શક્ય બન્યું તેવા ધારાસભ્ય શૈલેષ સોટ્ટાનું નામ તેમાંથી બાકાત રહ્યું હોય તેવી આમંત્રણ પત્રિકા સપાટી પર આવી છે. જેને પગલે પંથકમાં તરહ તરહની પ્રબળ લોકચર્ચાઓએ સ્થાન લીધું છે. આમંત્રણ પત્રિકામાં ડભોઇ નગર પાલિકાના ચીફ ઓફિસર જયકિશન એમ. તડવી અને ડભોઇ નગરપાલિકા પ્રમુખ બિરેનકુમાર એસ. શાહના જ નામો છે, ત્યારે કોના હસ્તે ઉદ્ધાટન થશે, તે અંગે પણ અલગ અલગ ચર્ચાઓએ લોકો વચ્ચે સ્થાન લીધું છે. આ વચ્ચે કોના હાથે નવા બિલ્ડીંગની રીબીન કપાય છે તે જોવું રહ્યું. જો કે, આ મામલે સપાટી પર આવ્યા બાદ અંતિમક્ષણોએ નવી પત્રિકા છપાઇને, ધારાસભ્યને આવવા મનાવી લેવાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.