- કુલ રૂ. 39.31 લાખનો મુદ્દામાલ જપ્ત, દારૂનો જથ્થો મોકલનાર સુરેશભાઇ પટેલ, ટેમ્પા માલિક તથા દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર
વડોદરા ગ્રામ્યમાં આવતા ચાણોદ માં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં રૂ. 25.83 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. તિલકવાડાથી વિદેશી દારૂનો જંગી જથ્થો ભરીને ટેમ્પો વડોદરા તરફ જઇ રહ્યો હતો. દરમિયાન વચ્ચે સ્ટેટ મોનીટરીંસ સેલની ટીમો દ્વારા સફળ રેડ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં એકની ઘરપકડ કરવામાં આવી છે. જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વિતેલા એક મહિનામાં અનેક વખત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો વડોદરા શહેર-જિલ્લામાં પ્રોહીબીશનની સફળ રેડ કરી ચુકી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઇ એચ. વી. તડવીને વડોદરા ગ્રામ્યમાં વિદેશી દારૂ લઇ જવા અંગે ચોક્કસ બાતમી મળી હતી. જેને પગલે રેડ કરવામાં આવી હતી. વડોદરા ગ્રામ્યમાં આવતા તિલકવાડાથી ડભોઇ – વડોદરા જતા રોડ પર સિમેન્ટના ગોડાઉનની સામે, ચાણોદમાં ટીમ વોચમાં હતી. દરમિયાન શંકાસ્પદ ટેમ્પો મળી આવતા તેને રોકવામાં આવ્યો હતો. બાદમાં ટેમ્પામાં રાખેલા મુદ્દમાાલની તપાસ કરવામાં આવી હતી. SMC ની ટીમોને દરોડામાં રૂ. 25.83 લાખની કિંમતને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે જ ટેમ્પોના ચાલક અજીતકુમાર હ્રિદય નારાયણ સિંઘ (મૂળ રહે. સારાય લોકા, બુરહાનપુર, જૌનપુર, યુ.પી.) (હાલ રહે. અંજલિ ધારા રેસીડેન્સી A-8, મીરા નગર પાસે સારંગપુર, તા. અંકલેશ્વર, ભરૂચ) ની અટકાયત કરવામાં આવી છે.
ઉપરોક્ત કાર્યવાહીમાં વિદેશી દારૂ, રોકડા, મોબાઇલ, વાહન, મળીને કુલ રૂ. 39.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અને દારૂનો જથ્થો મોકલનાર સુરેશભાઇ પટેલ, ટેમ્પા માલિક તથા દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાને પગલે સ્થાનિક પોલીસ વધુ એક વખત ઉંઘતી ઝડપાઇ હોવાનું મનાઇ રહ્યું છે. વિતેલા એક માસમાં અનેક વખત વડોદરા શહેર અને ગ્રામ્યમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. એક પછી એક કાર્યવાહીને પગલે બુટલેગરોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.