વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશોએ જાણે સારી કામગીરી માટે ઇજારદારો વચ્ચેની સ્પર્ધા જ પુરી કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે. જ્યાં પહેલા એક કામ માટે ત્રણ થી વહાર ઇજારદારો ભાવો આપતા હતા ત્યાં હોવે એક થી બે ઇજારદારો જ પાલિકાના કામોમાં ભાવો ભરી રહ્યા છે. જેમાં પણ આંતરિક સ્પર્ધાને સમાપ્ત કરવા પાલિકા દ્વારા ફક્ત એક જ ઇજારદાર પર પસંદગીનો કળશ ઢોળી દે છે.
ભૂતકાળમાં વડોદરા મહાનગર પાલિકાના અનેક કામોમાં એવા કડવા અનુભવ થયા છે જ્યાં ઇજારદાર ને સોંપવામા આવેલી કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોય અને તેની જાણ પાલિકાના અધિકારીઓને હોવા છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોય, આવા કામમાં પાલિકાના અધિકારીઓની એવી દલીલ હોય છે કે,આ કામગીરી કરવા અન્ય કોઈ ઇજારદાર તૈયાર નથી જેથી નક્કી કરેલા ઇજારદાર પાસે જ કામગીરી લેવી પડશે. જેને કારણે પાલિકા પાસે કોઈ વિકલ્પ બચતો નથી અને કામગીરીમાં વેઠ ઉતરે છે.
Advertisement
ભૂતકાળમાં બ્લેકલીસ્ટ કરવામાં આવેલા ઇજારદારોને ફરી વાર પાલિકા પોતાના વિવિધ વિભાગોમાં કામ આપવાનું શરૂ કર્યું હોય તેવા પણ કિસ્સા સામે આવ્યા છે. આ પ્રકારની નીતિને કારણે ગુણવત્તાયુક્ત કામ મળતું નથી જેને કારણે પ્રજાને વેઠવાનો વારો આવે છે.
તાજેતરમાં પાલિકાના પાર્કસ એન્ડ ગાર્ડન શાખા દ્વારા ચારેય ઝોનના ઉદ્યાનોના મેન્ટેનેન્સ માટે વાર્ષિક ઇજારો આપવા માટે ભાવ મંગાવવામાં આવ્યા હતા. એક ઝોનમાં 1 કરોડ 75 લાખની મર્યાદામાં મંગાવેલા ભાવોમાં બે જ ઇજારદારોએ રસ દાખવ્યો હતો. ચારેય ઝોનમાં ફક્ત બે જ ઇજારદારોએ ભાવ ભર્યા હોવા છતાંય પાલિકાએ ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા શરૂ કરી હતી. અને 1 કરોડ 75 લાખ ના વાર્ષિક ઇજારા સામે 19.8 ટકા વધુ ભાવ ભરનાર અભિ કન્સ્ટ્રક્શનને ચારેય ઝોનનો ઇજારો આપી દેવા માટે પાલિકાની આગામી સ્થાયી સમિતિની બેઠકમાં દરખાસ્ત મોકલવામાં આવી છે.
અધિકારીઓનો જાદુ,બીજા પ્રયત્નમાં 65 ટકા વધુ ભાવ ભરનાર ઇજારદાર 19.8 ટકા વધુમાં માની ગયો
ચારેય ઝોનમાં રજૂ થયેલા ભાવો પ્રમાણે અભિ કન્સ્ટ્રક્શન દ્વારા અંદાજીત ભાવ કરતા 65 ટકા વધુનો ભાવ રજુ કરવામાં આવ્યો હતો. જેની સામે આસોપાલવ ગાર્ડન કન્સલ્ટન્ટ નામના ઇજારદારે અંદાજીત ભાવ કરતા 74 ટકા વધુ ભાવ રજૂ કર્યો હતો. ટેન્ડરમાં 21 નંબરની શરત પ્રમાણે એક કોન્ટ્રાક્ટરને વધુમાં વધુ બે કામ આપવાની જોગવાઈ હતી. જેની સામે L1 ઇજારદાર અભિ કન્સ્ટ્રક્શન સાથે પાલિકાના અધિકારીઓએ નેગોશીએટ કરતા 65 ટકા વધુ ભાવ ભરનાર ઇજારદારે સીધો પોતાનો ભાવ ફક્ત 19.8 ટકા કરી દીધો હતો. જ્યારે અન્ય ઇજારદારે ભાવ નહીં ઘટાડતા ચારેય ઝોનના ગાર્ડન મેન્ટેનેન્સનો ઇજારો અભિ કન્સ્ટ્રક્શનને આપી દેવાની દરખાસ્ત તૈયાર કરીને સ્થાયી સમિતિમાં મુકવામાં આવી છે.
Advertisement
ટેન્ડરની શરત પ્રમાણે એક જ ઇજારદારને ચારેય કામ આપી શકાય નહીં તેમ છતાંય જાદુઈ રીતે ભાવ ઘટાડનાર ઇજારદારને ચારેય કામ પધરાવી દેવાની દરખાસ્ત થતા અનેક તર્ક વિતર્ક થયા છે. બીજા પ્રયત્નમાં મંગાવવામાં આવેલા ટેન્ડરમાં પાલિકાને કોઈ સરખા ભાવ ભારે તેવો ઇજારદાર મળતો નથી. જેના કારણે પાલિકાએ પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના ઇજારદારો વચ્ચે સ્પર્ધા જ પુરી કરી દેવાનું નક્કી કર્યુ હોય તેમ લાગે છે. એક જ ઇજારદારના હવાલે પાલિકા ચારેય ઝોનના ગાર્ડન સોંપી દેશે તો નિભાવણીની ગુણવત્તાની સરખામણી કોની સાથે કરશે? તે પ્રશ્ન ઉભો થાય છે.