જિલ્લાના નિમેટા ગામ પાસે આવેલા નર્મદા કેનાલ પાસેના સરદાર સરોવર નિગમના ક્વોટર્સમાં બે શ્રમજીવી યુવાનોએ સાથી યુવાનને નિર્વસ્ત્ર કરી મોતને ઘાટ ઉતારી દેતાં સનસનાટી મચી ગઇ હતી. આ ઘટનામાં વાઘોડિયા પોલીસે હત્યારાઓ ફરાર થઇ જાય તે પહેલાં બંને હત્યારાઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, મોતને ઘાટ ઉતરેલો યુવાન અને હત્યારાઓ વડોદરા કોર્પોરેશનની આજવાથી વડોદરા સુધી નાંખવામાં આવી રહેલી પાઇપ લાઇનના કોન્ટ્રાક્ટમા કામ કરે છે.
Advertisement
નિમેટા પંથકમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે વાઘોડિયા પોલીસ મથક નોંધાયેલ ફરિયાદ મુજબ વિગત એવી છે કે, વીએમસીની પાણીની પાઇપલાઇન નાખવાના કોન્ટ્રાક્ટર નીરલ પટેલના કોન્ટ્રાક્ટમા કામ કરતા શ્રમજીવીઓ નિમેટા પાસે નર્મદા ક્વાર્ટરમાં રહે છે. જેમા મૂળ બિહાર અને ઉત્તર પ્રદેશના વતની 27 વર્ષિય રાહુલસિંઘ રામદેવસિંઘ અને 28 વર્ષિય સદાનંદ પપ્પુ પ્રસાદે સાથે કામ કરતા અને રહેતા સંજયકુમારસિંઘ સત્યનારાયણસિંઘ ( ઉ.વ. 42) રહે. બિહાર ) ઉપર જીવલેણ હથિયારોથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી રાહુલ સિંઘનું સંજયકુમાર સિંઘે પેન્ટ ખેંચી મશ્કરી કરી હતી. જેની અદાવતમાં રાહુલે સાથીદાર સદાનંદની મદદ લઇ સંજયકુમાર સિંઘને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવે પંથકમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.
બીજી બાજુ કોન્ટ્રાક્ટર નિરલ પટેલે વાઘોડિયા પોલીસ મથકમાં બંને હત્યારાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. હત્યારાઓ ફરાર થઇ જાય તે પહેલાં પોલીસે મોડી રાત્રે બંને હત્યારા સદાનંદ પપ્પુ પ્રસાદ ( હાલ રહે, નિમેટા નર્મદા કેનાલની બાજુમા આવેલ સરદાર સરોવર નિગમના ક્વાર્ટ્સમા તા. વાઘોડીયા. મુળ રહે, સબિયા તા.કસયા જી.કુશીનગર (ઉ.પ્ર) અને રાહુલકુમાર રામદેવ સિંઘ ( હાલ રહે,નિમેટા નર્મદા કેનાલની બાજુમા આવેલ સરદાર સરોવર નિગમના ક્વાર્ટર, તા વાઘોડીયા મુળ રહે, કરારૂઆ તા.સરાબે જી.સિવાન બિહાર) ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.