હેરીટેજ ઇમારતોની શોભા વધારવા માટે શહેરના મધ્યમાં બનેલા પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડી પાડવાની પાલિકાની હિલચાલ સામે આજે પદ્માવતી શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ ઈમારતને તોડતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગણી કરી હતી.
શહેરના મધ્યમાં આવેલી ન્યાય મંદિરની અતિ પૌરાણિક અને હેરીટેજ ઈમારતને સાચવી શકાય અને ખાસ હેવ્રીતેજ કોરીડોર બનાવી શકાય તે માટે પાલિકા દ્વારા 40-50 વર્ષ જુના પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડી પાડવા માટેની હિલચાલ ચાલી રહી છે. થોડા સમય પહેલા આ માટે વેપારીઓ સાથે પાલિકાના અધિકારીઓ અને ચુટાયેલા પ્રતિનિધિઓની બેઠક પણ યોજાઈ હતી. તેમ છતાય તેઓ કોઈ નિર્ણય પર પહોચ્યા ન હતા.
આશરે 235 જેટલી દુકાનો પદ્માવતી શોપિંગ સેન્ટરમાં આવેલી છે. જે દુકાનોમાં નાનો મોટો વેપાર કરતા વેપારીઓના પરિવાર દુકાનમાં થતા વ્યાપાર પર જ નભે છે. પાલિકા દ્વારા પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડીને સુરસાગરની સામેનો વિસ્તાર ખુલ્લો કરીને ન્યાયમંદિર હેરીટેજ ઈમારતની શોભા વધરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. જોકે વેપારીઓને તેઓની દુકાનના બદલે બીજી દુકાનો આપવાની પાલિકાએ કોઈ લેખિત ખાતરી આપી નથી.
આજે પાલિકાના નિર્ણયના વિરોધમાં પદ્માવતી શોપિંગ સેન્ટરના દુકાનદારોએ તમામ દુકાનો બંધ રાખીને સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહિ આવે ત્યાં સુધી શોપિંગ સેન્ટર તોડી શકાશે નહિ તેવી માંગણી વેપારીઓએ કરી હતી. વારંવાર થયેલી મંત્રણા બાદ પણ કોઈ નિર્ણય પર નહિ પહોચતા આજે વેપારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું.