દક્ષિણ ગુજરાતમાં બુધવારના રોજ હવામાન ખાતા દ્વારા કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરામાં મેઘરાજા મહેરબાન થયા છે. બુધવારે રાત્રીથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા હતા. તો કેટલાક વાહનો ખોટકાતા ચાલુ વરસાદે વાહનચાલકોને પોતાના વાહનોને પાણીમાંથી ધક્કા મારવાની ફરજ પડી હતી.
સમગ્ર રાજ્ય સહિત વડોદરામાં પણ હવે મેઘરાજા મહેરબાન થયા છે. અત્યાર સુધી મેઘરાજાની હાથ તાળીથી નગરજનો ગરમીમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને મેઘરાજા ક્યારે વરસસે તેવી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે વડોદરાના નગરજનોની આતુરતાનો બુધવારે અંત આવ્યો હતો. બુધવારે મધરાત્રી થી શરૂ થયેલો વરસાદ દિવસ દરમિયાન યથાવત રહેતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. શહેરના ચાર દરવાજા વિસ્તાર રાવપુરા, સયાજીગંજ, મકરપુરા, તરસાલી, આજવારોડ, વાઘોડિયા રોડ, ડભોઈ રોડ, પ્રતાપનગર, સુભાનપુરા, ગોરવા, સહિતના વિસ્તારો, અલકાપુરી તેમજ રેલવે સ્ટેશનના ગરનાઓમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે વહેલી સવારે જતો નોકરીયાત વર્ગ અને અભ્યાસ માટે શાળા કોલેજોમાં જતા વિદ્યાર્થીઓ વર્ગને પણ મુશ્કેલી વેઠવી પડી હતી. જ્યારે ભારે વરસાદના કારણે કેટલાક વાહન ચાલકોના વાહનો ખોટકાયા હતા. જેઓને ચાલુ વરસાદે પાણીમાંથી પોતાના વાહનોને ધક્કા મારવાની ફરજ પડી હતી. જ્યારે કેટલીક શાળાઓમાં વરસાદી પાણી ભરાઈ જતા રજા આપી દેવાઈ હતી. બીજી તરફ વડોદરા મહાનગર પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીના પણ લીરેલીરા ઉડ્યા હતા.