મસાલો ખાવા નીકળેલા વ્યક્તિએ મિત્રના દીકરાને સિગરેટ પિતા જોઈને માંગ્યા વિના સલાહ આપી દીધી,પછી પડ્યો મેથીપાક!
માંગ્યા વિના તો માઁ ય પીરસતી નથી,આ કહેવત ગુજરાતીમાં પ્રચલિત છે જોકે કેટલાક લોકોને માંગ્યા વિના સલાહ આપવાની આદત જ હોય છે. પોતે પાન ના ગલ્લે માવો ખાવા પહોંચેલા ઇસમે તેના મિત્રના દીકરાને સિગરેટ પિતા જોઈ લીધા બાદ માંગ્યા વિનાની સલાહ આપવા મંડતા અકળાયેલા મિત્રના દીકરાએ “અંકલ”ને મીઠીપાક ચખાડ્યો હતો. જે અંગે અંકલે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આખો મામલો પ્રકાશમાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડસર ગામની વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા 40 વર્ષીય શૈલેષભાઇ પ્રજાપતિ તેઓના રોજીંદા નિત્યક્રમ પ્રમાણે રાત્રીના સમયે માવો ખાવા માટે માહી પાન હાઉસ ખાતે ગયા હતા.જ્યા તેઓ પહોંચ્યા ત્યારે એક યુવક સિગરેટ પીતો નજરે પડતો હતો.
યુવકને જોતા તે ઓળખી ગયા કે આ તો મારા મિત્ર રામુભાઈ સેન નો પુત્ર મહાવીર સેન છે. એટલે પોતીકો સબંધ સમજીને મહાવીર સેનને આટલી નાની ઉંમરે સિગરેટ કેમ પીવે છે તેવું કહીને કેટલાક તીખા શબ્દો સંભળાવીને ઠપકો આપ્યો હતો. એટલામાં મહાવીર સેન અકળાઈ જતા પિતાના મિત્ર શૈલેષ અંકલ પર હુમલો કરી દીધો હતો.
બંને વચ્ચે ઝપાઝપી થતા શૈલેષભાઇ પ્રજાપતિને નજીકમાં પડેલી સાયકલ આંખ પર વાગી ગઈ હતી. અંકલ ઇજાગ્રસ્ત થતા મહાવીર સેન સ્થળ છોડી નાસી છૂટ્યો હતો.જ્યારે શૈલેષભાઇ પ્રજાપતિએ તેઓના ભાઈને બોલાવીને ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જે બાદ સમગ્રઘટના અંગે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.