વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા પાસાનો આરોપી પોલીસને ચકમો આપીને ગત રાત્રીમાં સમયે ફરાર થઇ ગયો હતો. જે અંગે રાવપુરા પોલીસ મથકે ફરાર આરોપી સામે ગુન્હો નોંધ્યો હતો.જોકે ભાગેડુ કેદી અમદાવાદમાં તેના ભાઈને મળવા પહોંચતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના રીઢા ગુન્હેગાર કિરણ ઉર્ફે બાદશાહ પારિયાને પાસા હેઠળ અટકાયત કરીને વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો.3 ફેબ્રુઆરીએ જેલમાં તેની તબિયત લથડતા સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં હોસ્પિટલના ICUમાં બેડ નંબર 16 પર તેને સારવાર આપવામાં આવી રહી હતી. આ દરમિયાન ગત રાત્રીએ દોઢ વાગ્યાના આસપાસ આરોપી પોલીસ જાપ્તાને ચકમો આપીને SSG હોસ્પિટલ માંથી નાસી છૂટ્યો હતો.જે બાદ રાવપુરા પોલીસે ભાગેડુ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધીને તેની શોધખોળ હાથ ધરી હતી.
આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને આજે બાતમી મળી હતી કે, વડોદરાની SSG હોસ્પિટલ માંથી ભાગેલો પાસાનો આરોપી જુના વાડજ તેના ભાઈને મળવા આવ્યો છે જે બાતમીના આધારે અમદાવાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.
ભાગેડુ આરોપી કિરણ ઉર્ફે બાદશાહ પાસિયાની પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યુ હતું કે, તે પોલીસ જાપ્તાને ચકમો આપીને રાત્રીના સમયે ચાલતો ચાલતો નડિયાદ પહોંચી ગયો હતો. જ્યાંથી ટ્રેનમાં બેસીને મણિનગર પહોંચી ત્યાંથી કાલુપુરા અને ત્યાર બાદ નવા વાડજમાં રહેતા તેના ભાઈ રાજેશ પારિયાને મળવા પહોંચ્યો હતો. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલો કેદી બીમારીની અવસ્થામાં વડોદરાથી 50 કિલોમીટર દૂર નડિયાદ ચાલતો પહોંચી ગયો તે વાતે પોલીસને અચરજમાં મૂકી દીધી છે. જ્યારે અમદાવાદ પોલીસે આરોપીને વડોદરામાં રાવપુરા પોલીસને હવાલે કર્યો છે.