- પોલીસ જવાનો વોક પર નીકળે તો પણ જુગરધામ મળી જાય,શું પોલીસ જવાનો વિસ્તારમાં ફરતા નહીં હોય?
- હાઈટેક થયેલા જુગારધામ સંચાલકોએ રિક્ષાને જ અડ્ડો બનાવી દીધો
- રેશનકાર્ડની લાઈન લાગી હોય તેમ આંક લખાવવા ખેલીઓ લાઈન લગાવે છે!
હાલ શ્રાવણ માસમાં શ્રાવણીયા જુગારની લહેર ચાલી રહી છે ત્યારે પોલીસ દ્વારા રોજબરોજ અનેક જુગાર રમતા કળિયુગી શકુનિઓને શોધી કાઢીને ગુન્હો દાખલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે જુગાર રમવા ઇચ્છતા જુગારીયાઓ અને જુગાર રમાડતા અડ્ડાના સંચાલકો પણ હાઈટેક થઇ ગયા છે. જુગારધામના સંચાલકોએ અતિ હાઈટેક અને હરતુંફરતું જુગારધામ શોધી કાઢ્યું છે. અને આ જુગારધામના સંચાલકોને એટલી હિંમત પણ આવી ગઈ છે કે, પોલીસ મથકથી માત્ર 230 મીટરના અંતરે જુગારધામ ચલાવી રહ્યા છે.
વાત છે વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ મથક વિસ્તારની, અહિયાં પોલીસ મથકથી માત્ર 230 મીટરના અંતરે ચાલી રહેલા જુગારધામનો એક વિડીયો વાયરલ થવા પામ્યો છે. જેમાં એક રીક્ષામાં બે વ્યક્તિઓ જુગાર રમવા આવતા ખેલીઓ પાસેથી આંક ફરકનો જુગાર લખી રહ્યા છે. આ જુગાર રમાડનાર શખ્સો એટલા હાઈટેક થયા છે કે, આંક ફરકનો જુગાર મોબાઈલમાં નોંધી રહ્યા છે. અને તેના બદલામાં કોઈ ચિટ્ઠ પણ આપવામાં આવતી નથી. જુગાર રમતા ખેલીઓ અને રમાડતા બુટલેગરો વચ્ચે એટલી સમજુતી હોય છે કે , અંક લાગે તો ત્યાને ત્યાં જ તેનો હિસાબ પણ કરી આપે છે.
વિડીયોમાં બે શખ્સો રીક્ષામાં બેઠેલા નજરે ચઢે છે જેઓના હાથમાં મોબાઈલ ફોન છે. અને બંને શખ્સો ખેલીઓ પાસેથી રોકડ રકમ લઈને મોબાઈલમાં આંકડા લખે છે. મુખ્ય માર્ગ પર સતત અવરજવર ધરાવતા આ સ્થળે જાણે રેશનકાર્ડનું અનાજ લેવા લાઈન પડી હોય તેમ રીક્ષાની આસપાસ ખેલીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. આટલી બિન્દાસ્ત રીતે ચાલી રહેલું જુગારધામ પોલીસ પકડથી દુર કેમ છે? તે સમજાતું નથી.
વાયરલ વિડીયોના લોકેશનની ચકાસણી કરતા તેને ગુગલ મેપ પરથી પોલીસ મથક સુધીનું ડીસટન્સ માપતા 230 મીટર જેટલું થાય છે. એક પોલીસ જવાન જો વોક પર નીકળે તોય આ જુગારધામ પોલીસના હાથે ઝડપાઈ શકે છે. પણ જાણે કેમ ઇચ્છાશક્તિના અભાવે કારેલીબાગ પોલીસ મથકના જવાનો 230 મીટર સુધી પણ વોક પર નથી નીકળતા..!
જો સામાન્ય પ્રજાને આ જુગારધામ મળી શકતું હોય તો પોલીસ જવાનો સુધી આ “બાતમી” કેમ પહોચતી નથી. આટલા અવરજવર વાળા વિસ્તારમાં આ એક જુગારધામનો વિડીયો વાયરલ થયો છે. આવા ગીચ વિસ્તારમાં હરતા ફરતા કેટલા જુગારધામો કાર્યરત હશે તે તો સ્થાનિક પ્રજા જ જાણે!