- ફોન પર વાત કરીને જણાવ્યું કે, આપણે અગાઉ રૂપિયામાંથી ડોલર અને ડોલરમાંથી રૂપિયા એક્સચેન્જ બાબતે થયેલી વાત તે બોલું છું
વડોદરા પાસે આવેલા વાઘોડિયા પોલીસ મથકની હદમાં લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવવા પામી છે. આ ઘટનામાં યુવકને મોટા નફાની લાલચ આપીને તેને પૈસા લઇને બોલાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને અનેક વિસ્તારોમાં ગોળ ગોળ ફેરવીને આંધારામાં વડોદરાની બહાર લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને ગળે ધારદાર હથિયાર મુકીને લૂંટ ચલાવવામાં આવી હતી. માંડ યુવક પોતાનો જીવ બચાવીને પરત ફર્યો હતો. આખરે આ મામલે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વાઘોડિયા પોલીસ મથકમાં જય રમેશભાઇ પરમારે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ખાનગી કંપનીમાં કામ કરે છે. બે દિવસ પહેલા સાંજે તેઓ ઘરે હતા. દરમિયાન જય યોગેશકુમાર પરમારનો ફોન આવ્યો હતો. અને જણાવ્યું કે, આપણે અગાઉ રૂપિયામાંથી ડોલર અને ડોલરમાંથી રૂપિયા એક્સચેન્જ બાબતે થયેલી વાત તે બોલું છું. મારા પિતાની વાઘોડિયાથી જરોદ તરફ જતા રોડ પર નવી બનતી સિદ્ધેશ્વર નમની મકાન બાંધકામની સાઇટ આવેલી છે. મારા પિતાને બે લાખ રૂપિયા હું આપીશ. અને બે લાખ રૂપિયા તમે આપશો. બંનેને કુલ JT. 22 લાખ એક્સચેન્જ થઇને પરત મળશે.
બાદમાં તેમણે શખ્સની વાત પર ભરોસો રાખીને પીએફ, તથા અન્ય ખાતામાંથઈ રૂ.1.74 લાખ ભેરા કર્યા હતા. અને સાંજના સમયે કાળા કલરના થેલામાં પૈસા મુકીને ભાઇ આકાશ જોડે તેને મળવા પહોંચ્યા હતા. સંગમ મુરલીવાલા પાન પાસે એક્ટીવા લઇને રવાના થયા હતા. પાનના ગલ્લા પાસે જય યોગેશ પરમારે જણાવ્યું કે, આપણે મારા પિતાને મળવા જવાનું છે. પરંતુ મારી પાસે કોઇ વાહનની વ્યવસ્થા નથી. તું તારી એક્ટીવા લઇ લે. તેમ કહેતા બંને જણા એક્ટીવા લઇને ત્યાંથી નિકળીને પ્રથમ ગોલ્ડન ચોકડી, ત્યાંથી આજવા ચોકડી થી નિમેટા થઇને રવાલ ચોકડી થઇને જરોડ રોડ પર અમરતપુરા ગામની સીમમાં ખેતર પાસે રાત્રે 8 વાગ્યે પહોંચ્યા હતા. દરમિયાન જય યોગેશ પરમારે તેમને જણાવ્યું કે, મારા પગમાં ખાલી ચઢી ગઇ છે. તું એક્ટીવા સાઇડમાં ઉભી કર. બાદમાં તેમણે એક્ટીવા બાજુમાં ઉભુ કરી દીધું હતું.
તેવામાં તેણે પાછળથી મોઢું તથા આંખ દબાીને ધારદાર હથિયાર ગળા પર મુકી માર માર્યો હતો. બાદમાં ફરિયાદીને વરસાદી પાણીની કાંસની બાજુમાં પાડી દીધા હતા. અને પૈસા ભરેલો થેલો લઇને નાસી ગયો હતો. ત્યાર બાદ ફરિયાદીએ જેમ તેમ પોતાનો જીવ બચાવીને ત્યાંથી પરત આવ્યા હતા. ટુંકી સારવાર બાદ તેમણે જય યોગેશકુમાર પરમાર (રહે. અરિહંત સોસાયટી, હરણી વારસીયા રીંગ રોડ, વડોદરા) સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.