- 10 દિવસથી ગેરહાજર રહેતા તેમના વિરૂદ્ધ વોરંટ ઇશ્યુ કરીને હાજર રહેવા જણાવાયું હતું. વોરંટ ઇશ્યુ કરતા સમયે તેઓ ઘરે મળી આવ્યા ન્હતા.
વડોદરા ગ્રામ્યમાં આવતા શિનોરની સાધલી ગ્રામ પંચાયતમાં ફર્સ્ટ તલાટી કમ મંત્રી દ્વારા તેના મળતિયાઓ જોડે મળીને મોટી ઉચાપત કરવામાં આવી હતી. રોજમેળ મેળવવા જતા આ વાત ખુલ્લી પડી હતી. આખરે બંને સામે શિનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શિનોર પોલીસ મથકમાં જીતેન્દ્રકુમાર ડામોરએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ સાધલી ગામે સેકન્ડ તલાટી કમ મંત્રી છે. તેમણે કરેલ અરજી અનુસાર, સાધલી ગામે ફર્સ્ટ તલાટી કમ મંત્રી તરીકે નીતીન મુકેશભાઇ જેતાણી ફેબ્રુ – 2024 થી ફરજ બજાવતા હતા. તેઓ સરકારના નોટીફીકેશન મુજબ ગ્રામપંચાયતની બેંકોમાં તેમનું અને સરપંચની સહીથી લેવડદેવડ થતી હતી. સપ્ટેમ્બર – 2024 થી તેઓ નોકરી પર આવતા બંધ થઇ ગયા હતા. જેથી ગામના સરપંચ મનીષાબેન પટેલે લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી.
તેઓ 10 દિવસથી ગેરહાજર રહેતા તેમના વિરૂદ્ધ વોરંટ ઇશ્યુ કરીને હાજર રહેવા જણાવાયું હતું. વોરંટ ઇશ્યુ કરતા સમયે તેઓ ઘરે મળી આવ્યા ન્હતા. અને તેમનો ફોન પણ બંધ આવતો હતો. જેથી સાધલી ગ્રામપંચાયતનું કામકાજ ખોરવાયું હતું. સાધલી ગ્રામ પંચાયત ત્રણ બેંક એકાઉન્ટ ધરાવે છે. જેના જાન્યુઆરી – 2025 ના રોજ રોજમેળ સાથે ત્રણ ખાતાની બેંક સિલક સરખાવતા ઓછી સિલક બતાવતી હતી. જેથી સરપંચ દ્વારા પાસબુક એન્ટ્રી ચેક કરાવવામાં આવી હતી. દરમિયાન નીતીન જેતાણીના એકાઉન્ટમાં રૂ. 10.20 લાખ ટ્રાન્સફર થયા હોવાની એન્ટ્રી માર્ચ – 2024 ની બતાવતી હતી. અને અન્ય એક રૂ. 1.44 લાખની એન્ટ્રી અલ્પેશભાઇ ભાઇલાલભાઇ પટેલ (રહે. અવાલખ) ના નામે મળી આવી હતી. જે જોઇને સૌ કોઇ ચકીત થઇ ગયા હતા.
બાદમાં બેંક સ્ટેટમેન્ટ કઢાવવામાં આવ્યા હતા. જેમાં તાલુકા વિકાસ અધિકારી તરફથી લોકઉપયોગી ગ્રાન્ટ, ડોર ટુ ડોર ગ્રાન્ટ, સ્વચ્છતા હી સેવાની ગ્રાન્ટ, ઓક્ટ્રોયની ગ્રાન્ટ તમામ મળીને રૂ. 10.20 લાખ રકમ થવા પામતી હતી. તલાટી કમ મંત્રીએ હંગામી કારકુનના મોબાઇલ પરથી સરચંપના પતિને ફોન કરીને જણાવ્યું હતું કે, જે ખાતામાં ગ્રાન્ટ મંજુર થઇને આવેલી છે. તે બંધ કરાવવાનું છે. જેથી આપણે તે ગ્રાન્ટ ખાતામાં ના રહી જાય તે માટે અન્ય બેંકમાં ટ્રાન્સફર કરાવી દઇએ. જેથી તેને આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેની નોંધ ચેકબુકના પાને કરવામાં આવી ન્હતી.
આખરે મોટી ગફલેબાજી કરનાર તલાટી કમ મંત્રી નીતીનભાઇ મુકેશભાઇ જેતાણી (રહે. સાધલી, શિનોર, વડોદરા ગ્રામ્ય) અને અલ્પેશભાઇ ભાઇલાલભાઇ પટેલ (રહે. અવલખ, શિનોર, વડોદરા ગ્રામ્ય) સામે સરકારી નાણાંની ઉચાપત મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.