વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલ પતંજલિ સ્ટોરમાં આગ ભીષણ લાગી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગના કારણે સ્ટોર માલિકને મોટા પ્રમાણમાં લાખોનું નુકસાન થયું હોવાનો અનુમાન છે. ભરબપોરે આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે બપોરના અરસામાં શહેરના વારસિયા રિંગ રોડ સંગમ ચાર રસ્તા પાસે આવેલ કોમ્પ્લેક્સના પતંજલિ સ્ટોરમાં એકા એક આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગ વધુ પ્રસરી જતા કોમ્પ્લેક્સના અન્ય વેપારીઓ તેમજ આસપાસના લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. જેના બાદમાં આગ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસોમાં જોતરાઈ ગઈ હતી.
ફાયર ફાયટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ગરમીના કારણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે, ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ આ આગના બનાવમાં સ્ટોરનો માલ સમાન બાળીને ખાખ થઇ જતા લાખોના નુક્સાનનું અનુમાન છે.