પોસ્ટમાં કહ્યું, વડોદરા વાસીઓ ધ્યાનમાં રહે ટીએમસીના એક ખેલાડી આપણા જ શહેરના તાંદલજાથી છે.
રોહિંગ્યા ઘૂસણખોરીના હમદર્દ જેવા શબ્દોનો ઉલ્લેખ કર્યો,પણ એ ભૂલી ગયા કે દેશભરમાં 10 વર્ષથી ભાજપ જ સત્તામાં છે.
Advertisement
એનડીએને ચૂંટણી પરિણામમાં પૂર્ણ બહુમતી મળ્યા પછી ભાજપમાં ભાવિ સરકાર મુદ્દે મંથન શરૂ થઈ ગયું છે. તો બીજી તરફ બંગાળમાં પણ ટીએમસીએ સપાટો બોલાવ્યો છે. ત્યારે વડોદરા ભાજપમાંથી હવે સોશિયલ મીડિયા પર ટીએમસી પર તીખી ટિપ્પણીનો દોર શરૂ થયો છે. શહેર ભાજપના એક નામાંકિત પદાધિકારી દ્વારા કરવામાં આવેલી પોસ્ટે શહેર ભાજપમાં ચકચાર જગાવી છે.
વડોદરાને જોવા જઈએ તો બે સાંસદ મળ્યા એક ભાજપમાંથી લોકસભાની ચૂંટણીમાં વિજય થયેલા યુવા નેતા ડો.હેમાંગ જોશી અને બીજા મૂળ વડોદરાના ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યુસુફ પઠાણ જેઓ પશ્ચિમ બંગાળમાં બહેરામપુર બેઠક પર તૃણમૂલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને વિજયી પણ થયા.
ત્યારે કેટલાક મહાનુભાવોને આ જીત ગળે ન ઉતરી હોય તેમ વડોદરાના વિકાસને બાજુ પર મૂકી હવે વડોદરા વાસીઓને બંગાળમાં ટીમસીથી ધ્યાન રાખવા ચેતવા નીકળ્યા છે. આ દોર સોશિયલ મીડિયાથી શરૂ થયો છે. શહેર ભાજપમાં મોટો હોદ્દો ધરાવનાર અને પૂર્વ મેયર રહી ચૂકેલા આ મહાનુભાવે ફેસબુક પર પોસ્ટ કરી છે.
જેમાં જણાવ્યું છે કે , “વડોદરા વાસીઓ ધ્યાનમાં રહે બંગાળમાં રોહિંગિયા મુસ્લિમ ઘૂસણખોરોની હમદર્દ મમતાની પાર્ટી ટીએમસી ના એક ખેલાડી આપણા જ શહેરના તાંદલજા થી છે.” તેમ જણાવ્યું છે. અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે ભાજપનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ. ત્યારે વડોદરા ના જ પુત્ર યુસુફ પઠાણ પર ભાજપના આ હોદ્દેદારે મમતા બેનર્જીને ઘૂસણખોરોની હમદર્દ જણાવી યુસુફ પઠાણ પર આડકતરી રીતે શાબ્દિક પ્રહાર કર્યા છે. જે ચર્ચાનો વિષય બન્યો હતો. નોંધનીય છે કે , પશ્ચિમ બંગાળમાં બહેરામપુર બેઠક પર તૃણમૂલ કોંગ્રેસ વતી ચૂંટણી લડનાર પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને 1999થી સાંસદ રહેલા અધીર રંજન ચૌધરીને 64,084 કરતાં વધુ મતોથી હરાવીને નવો ઈતિહાસ રચ્યો છે.
Advertisement
અનેક પાસા ચકાસી ટીએમસીના સર્વેસર્વા મમતા બેનરજીએ યુસુફ પઠાણની ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી, જેનો ફાયદો ટીએમસીને થયો હતો. આ બેઠક પર ભાજપના ઉમેદવાર ત્રીજા સ્થાને રહ્યા હતા. યુસુફ પઠાણને 4,23,451 મત, કોંગ્રેસના અધીરંજન ચૌધરીને 3,59,367 મત જ્યારે ભાજપના ઉમેદવાર ડો.નિર્મલકુમાર સાહાને 3,23,685 મત મળતાં તે ત્રીજા ક્રમે રહ્યા છે.