કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે નદીકિનારે નાહવા જતા લોકો આટઆટલી મોત બાદ પણ બોધપાઠ લેતા નથી. અંતે વધુને વધુ લોકો પાણીમાં ડૂબવાને કારણે જીવ ગુમાવી રહ્યા છે. ગત રોજ વડોદરા જીલ્લાના શિનોર તાલુકાના દિવેર ગામે ભરૂચના બે યુવકો પાણીમાં ડૂબી જતા શોધખોળ શરુ કરી હતી. જેમાં આજે બંને યુવકોનો મૃતદેહ વહેણમાં તણાઈ જઈને દરોલી-કોઠિયા ગામ પાસે નદી માંથી મળી આવ્યો હતો. ડૂબી જવાની ઘટનાના 16 કલાક બાદ બંને યુવકના મૃતદેહ મળ્યા છે.
મૂળ અંકલેશ્વર અને ભરૂચના રહેવાસીઓનું 25 લોકોનું એક ગ્રુપ ખાનગી વાહનોમાં ગત રોજ શિનોરના દિવેર ગામે નર્મદા નદીમાં નાહવા માટે આવ્યું હતું. 4 વાગ્યાની આસપાસ તેઓ નદીમાં નાહવા પડ્યા હતા. જોકે આ ગ્રુપના બે યુવકો 30 વર્ષીય પરિમલ રમેશભાઈ પટેલ અને 15 વર્ષીય યશ રાકેશભાઈ પટેલ મળી નહિ આવતા ગ્રુપના અન્ય સભ્યોએ શોધખોળ શરુ કરી હતી.
બંને યુવકો ડૂબી ગયા હોવાની શંકાએ દિવેર ગામના તલાટીનો સંપર્ક કર્યો હતો. જયારે તલાટીએ મામલતદારને જાણ કરીને મદદ મંગાવી હતી. આ દરમિયાન ગામના સ્થાનિક તરવૈયાઓ બંને યુવકને શોધવા માટે નદી ખુંદી વળ્યા હતા.જોકે તેઓનો પત્તો લાગ્યો નહતો. કરજણ ફાયરબ્રિગેડની ટીમ પણ રાત્રીના સમયે સતત બંને યુવકોની શોધખોળ કરતી હતી.
આ દરમિયાન આજે સવારે દિવેર ગામથી દુર દરોલી કોથીયા ગામ પાસે નદીમાં બે મૃતદેહ દેખાદેતા સ્થાનિક તરવૈયાઓએ તેણે બહાર કાઢ્યા હતા. અને શિનોર પોલીસને હવાલે કર્યા હતા. જવાનજોત બે યુવકો ગરમીથી બચવા વહેતા પાણીમાં નાહવા પડ્યા અને પાણીએ તેઓનો જીવ લઇ લેતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે. છેલ્લા એક મહિનામાં વિવિધ જળસ્ત્રોતમાં ડૂબી જવાના કારણે મોતને ભેટેલા લોકોનો આંકડો સતત વધી રહ્યો છે. હજી તો બે દિવસ પૂર્વે જ વડોદરા નજીક મહીસાગર નદીના કાંઠે સિંધરોટ ગામે ચાર અજાણ્યા પુરુષોનો મૃતદેહ મળી આવ્યો છે. તે પહેલા કોટના ગામે તાંદલજાના બે આશાસપ્દ યુવકો ડૂબી જવાથી મોતને ભેટ્યા છે. આજ સમય દરમિયાન નર્મદા નદી કિનારે આવેલા પોઈચા ગમે નદીમાં નાહવા પહેલા 8 વ્યક્તિઓના મોત થયા છે. ગરમીથી જેટલા લોકો મૃત્યુ નથી પામતા તેટલા લોકો પાણીમાં ડૂબવાથી મૃત્યુ પામી રહ્યા છે. વારંવાર તંત્ર સુચના આપે છે છતાંય નાગરિકો કોઈ બોધપાઠ લેતા નથી.