શહેરમાં જે જગ્યાએ બ્રિજની જરૂરત નથી, જે બ્રિજ પર મરામતની જરૂર નથી, ત્યાં કામ થઇ રહ્યા છે – કમલેશ પરમાર, સામાજિક કાર્યકર
વડોદરાના જાણીતા શાસ્ત્રી ઓવર બ્રિજ (પંડ્યા બ્રિજ) ના મસમોટા પોપડા ખરીને રોડ પર પડ્યા છે. જેને પગલે નીચેથી અવર-જવર કરતા વાહનો માટે જોખમ ઉભુ થયું છે. અગાઉ પંડ્યા બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પરંતુ આ સમારકામમાં કેટલી ગોબાચારી થઇ હશે, તે વાતનો અંદાજો આજની ઘટના પરથી લગાડવો સહેલો છે. પંડ્યા બ્રિજ પરથી મસમોટા પોપડા ખરતા હવે પાલિકા તંત્ર દ્વારા શું કાર્યવાહી થાય છે, તેના પર સૌ કોઇની નજર રહેશે.
વડોદરાના અટલ બ્રિજથી ફતેગંજ વિસ્તારનો જોડતો પંડ્યા બ્રિજ અત્યંત મહત્વનો છે. રોજ પંડ્યા બ્રિજ ઉપરથી અને તેની નીચેથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. આ પંડ્યા બ્રિજ પર કરાયેલી રિનોવેશન કાર્યની ગુણવત્તા સામે સવાલો ઉઠવા પામ્યા છે. આજે પંડ્યા બ્રિજના મસમોટા પોપડા રોડ પર નીચે પડ્યા છે. જેને પગલે વાહનચાલકોના માથે મોટું જોખમ આવી પડ્યું હોય તેવી સ્થિતી સર્જાઇ છે. ઘટના અંગે જાણ થતા જ સામાજિક કાર્યકરો દોડી ગયા છે. અને આ વાતનો વિરોધ નોંધાવી રહ્યા છે.
સામાજિક કાર્યકર વિજય જાધવે મીડિયાને જણાવ્યું કે, આ સિમેન્ટના પોપડાને હું મ્યુનિસિપલ કમિશનરને ભેંટ આપવા ઇચ્છું છું. જે દર્શાવે છે કે આ બ્રિજની કામગીરી કેટલી કેટલી બોદી કરવામાં આવી છે. વર્ષો પહેલા આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું, તે યથાવત છે. અને થોડાક મહિનાઓ પહેલા આ બ્રિજનું જે સમારકામ કરવામાં આવ્યું હતું, તેના પોપડાં ખરી રહ્યા છે. મુદ્દાની વાત છે કે, આ બ્રિજ નીચેથી સ્ટેશનથી લઇને નવાયાર્ડ સુધી ધમધમી રહ્યો છે. મોટી સંખ્યામાં વાહનો અહિંયાથી પસાર થાય છે. જે રીતે પોપડા પડી રહ્યા છે, તે જોતા અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે.
વધુમાં જણાવ્યું કે, પંડ્યા બ્રિજ વર્ષો જુનો છે, અને તે સમારકામ માંગી રહ્યો છે. લોકોને જરૂરિયાતના કામોને તંત્રએ પ્રાથમિકતા આપવી જોઇએ. ચાર દિવસ પહેલા બીજી જગ્યાએ પોપડાં ખર્યા હતા. પાલિકા તંત્રની ભૂલ કોઇનો જીવ લે તેવી છે. સામાજિક કાર્યકર કમલેશ પરમારે મીડિયાને જણાવ્યું કે, જે જગ્યાએ બ્રિજની જરૂરત નથી, જે બ્રિજ પર મરામતની જરૂર નથી, ત્યાં કામ થઇ રહ્યા છે. પંડ્યા બ્રિજના પોપડા ખરવા માંડ્યા છે. તે જર્જરિત હાલતમાં છે. આ રાહદારીઓના જીવ સાથે ચેડાં થઇ રહ્યા છે.