વડોદરાના હરણીથી ખોડિયારનગર તરફ જવાના રસ્તે પાણીનો પ્રવાહ ગટરમાંથી પુરજોશમાં બહાર આવતા ગટરના ઢાંકણા ઉછળીને પાણી બહાર આવી રહ્યું છે. દુર્ગંધ મારતું પાણી બહાર આવવાને કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારની સમસ્યા દર વર્ષે નડતી હોવાનું જણાવ્યું છે. પાણી ઉભરાઇને રોડ-રસ્તા પર ફેલાઇ રહ્યું છે. જો આટલા જ વરસાદમાં આવી સ્થિતી સર્જાય તો વરસાદ વધુ પડે તો કેવી હાલત થતી હશે, તેનો અંદાજો લગાડવો મુશ્કેલ છે.
વડોદરામાં પહેલા વરસાદમાં જ તંત્રનું પાણી મપાઇ ગયું હતું. હવે ઠેર ઠેર સમસ્યાઓ સામે આવી રહી છે. આજે સવારે વરસાદે ટુંકી ઇનીંગ શરૂ કરી હતી. જે બાદ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ શહેરના હરણીથી ખોડિયારનગર તરફ જવાના ન્યુ વીઆઇપી રોડ પર અનોખી સમસ્યા સામે આવી છે. અહિંયા ગટરમાંથી બહાર આવતા પાણીના ફોર્સના કારણે ઢાંકણા ઉંચા થઇ ગયા છે. અને તેની નીચેથી પુરજોશમાં પાણી રસ્તા પર વહી રહ્યું છે. કાળુ, દુર્ગંધ મારતું પાણી રોડ પર વહેતા સ્થાનિક લોકોની મુશ્કેલીઓ વધી છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ રીતે અઠવાડિયા પહેલા પણ સમસ્યા સર્જાઇ હતી. તે અંગે ફરિયાદ કરવા છતાં કોઇ જોવા આવ્યું ન્હતું. આજે વધુ એક વખત આ પ્રકારની સમસ્યા સામે આવી છે. દુર્ગંધ મારતું પાણી રસ્તા પર ફેલાવવાના કારણે રોડ સાઇડ પર ધંધો કરીને પેટીયું રળતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકો દ્વારા આ સમસ્યાનું ત્વરિત અને કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.