વડોદરા ના અટલ બ્રિજ પર રીલ્સ બનાવવાના ચક્કરમાં ત્રણ સવારી જતી બાઇક પર સીન-સપાટા કરવામાં આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે. અને આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. રીલ્સ બનાવવા માટે ઓવર બ્રિજ પર ટ્રીપલ સવારી બાઇક પર જતો યુવક પોતાનું તથા અન્યોનું જીવન જોખમમાં મુકી રહ્યો હોવાનું વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
આપણે ઇન્ટરનેટ યુગમાં જીવી રહ્યા છીએ. સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે લોકો કોઇ પણ પ્રકારનું જોખમ ઉઠાવતા પહેલા સહેજ પણ ખચકાતા નથી. આવા કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા રહે છે. ત્યાર બાદ પોલીસ કાર્યવાહી પણ કરે છે. છતાં લોકો અટકવાનું નામ નથી લેતા. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળોમાં એક વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવક ત્રણ સવારી બાઇક લઇને જઇ રહ્યો છે. દરમિયાન ચાલક પોતાના એક હાથમાં બાઇકનું સ્ટીયરીંગ અને અન્ય હાથમાં મોબાઇલ લઇને ચાલુ બાઇકે ઉભો થઇ જાય છે. અને કંઇક રેકોર્ડ કરી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.
આ વીડિયો અટલ બ્રિજ પરનો હોવાનો પ્રાથમિક અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. આ વીડિયો ભારે વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અને આ વીડિયોમાં દેખાતા યુવકોની શોધખોળ કરવા માટેના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવકે ત્રણ સવારી બાઇક પર જઇને રીલ્સ બનાવવા કરેલા સીનસપાટામાં અનેકના જીવને જોખમ ઉભુ થઇ શકે તેવી સ્થિતી સર્જાઇ હતી.