- 19 સ્કવોર્ડ મારફતે વહેલી સવારમાં પોલીસના બંદોબસ્ત સાથએ 426 રહેણાંક તથા અન્ય એકમોનું વિજ જોડાણનું ચેકીંગ કરવામાં આવ્યું
વડોદરા માં ગેરકાયદેસર દબાણોની સાથે હવે વિજ ચોરો પર પણ આકરી કાર્યવાહી તંત્ર કરી રહ્યું છે. પ્રથમ શહેરના માંડવી અને ત્યાર બાદ શહેરના ગ્રામ્ય વિજ વર્તુળ કચેરી અંતર્ગત આવતા વિસ્તારોમાં વિજ ચોરી પકડવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં અડધા કરોડની વિજ ચોરી પકડાઇ હોવાનું હાલ તબક્કે સામે આવી રહ્યું છે. આ કાર્યવાહીથી વિજ ચોરોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે. બંને કાર્યવાહી એક સપ્તાહમાં કરવામાં આવી છે. જેમાં અડધા કરોડ રૂપિયાની આકારણની કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઝૂંબેશના પ્રથમ પ્રયાસમાં શહેરના માંડવી સબ ડિવિઝનમાં આવતા 5 ફીડર હાથીખાના, સરસિયા તળાવ, જ્યુબિલી બાગ, ફતેપુરા અને બાજવાડામાં વીજ ચેકીંગ અને ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં પોલીસનો બંદોબસ્ત પણ મેળવવામાં આવ્યો હતો. આ ડ્રાઈવમાં શહેરના પાણીગેટ રોડ દૂધવાલા મોહલ્લા ચુડીવાલા ગલી, ભદ્ર કચેરી રોડ, છીપવાડ, ચાબુકસવાર મોહલ્લો,પટેલ ફળિયા 1-2 ,યાકુતપુરા મીનારા કોમ્પ્લેક્સ, સરસિયા તળાવ રોડ, ચોરા પાસે, બુમલા વાળી ગલી, રેશમવાલાનો ખાંચો, અંબે માતાનો ખાંચો, ધૂળધોયાવાડ, ફતેપુરા, હાથીખાના ભાંડવાડા, મીઠા ફળિયા, ઊંડા ફળિયા, ગેંડા ફળિયા, રાવત શેરી, ખારી તલાવડી, કુંભારવાડા સહિતના વિસ્તારોમાં પોલીસના બંદોબસ્ત સાથેની વિવિધ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન કુલ 625 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 32 જેટલા કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ હતી. હાથીખાના ફીડર વિસ્તારમાંથી 3.82 લાખ સરસીયા તળાવ ફીડર વિસ્તારમાંથી – 7.42 લાખ, જ્યુબેલીબાગ ફીડર વિસ્તારમાંથી – 11.50 લાખ, ફતેપુરા ફીડર વિસ્તારમાંથી – 6.47 લાખ અને બાજવાડા ફીડર વિસ્તારમાંથી 0.83 લાખ એમ મળી આશરે રૂ. 30.4 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી.
જ્યારે ઝૂંબેશના દ્વિતિય પ્રયાસમાં, શહેરના ગ્રામ્ય વર્તુળ કચેરીના છાણી, નંદેસરી, અને કોયલીમાં આવતા વિસ્તારોમાં વિજ કંપનીની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં 19 સ્કવોર્ડ મારફતે વહેલી સવારમાં પોલીસના બંદોબસ્ત સાથએ 426 રહેણાંક તથા અન્ય એકમોનું વિજ જોડાણનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. તે પૈકી 40 વિજ જોડાણોમાં વિજ ચોરી આચરવામાં આવી હોવાનું સપાટી પર આવ્યું હતું. જેની સામે રૂ. 11.50 લાખના દંડની આકરણની કરવામાં આવી છે.