- સામાન્ય વહીવટ, ખોરાક શાખા, તેમજ એકાઉન્ટ શાખાના કર્મચારીઓ ગેરહાજર રહેતા તેમની કામચોરી પાલિકાની લોબીમાં ચર્ચાનો વિષય બની
વડોદરા પાલિકા ની કચેરીએ અનેક વિભાગોના કામચોર અધિકારીઓ મોટા ભાગે ગેરહાજર રહે છે. તેમની કેબિન બહારનું એટેન્ડન્સ મશીન ધૂળ ખાઇ રહ્યું છે. બીજી તરફ કેબિનમાં ખાલી ખુરશીઓ જોવા મળી રહી છે. જેને પગલે પાલિકાની લોબીમાં તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ અંગે ડે. મ્યુનિસિપલ કમિશનર (વહીવટ) ને જાણ કરવામાં આવતા તેમણે સરપ્રાઇઝ ચેકીંગ સહિતની કાર્યવાહી કરવાની બાંહેધારી આપી હતી.
વડોદરા પાલિકામાં આવેલી સામાન્ય વહીવટ, ખોરાક શાખા, તેમજ એકાઉન્ટ શાખાના કર્મચારીઓ કેટલીક વખત ગેરહાજર રહેતા તેમની કામચોરી પાલિકાની લોબીમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે હવે આ મામલો પાલિકાના ડે. મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચ્યો છે. અને તેમણે આ મામલે કાર્યવાહી કરવાની તૈયારી દાખવી છે. જેને પગલે આજે નહીં તો કાલે પાલિકાના કામચોર અધિકારીઓ પર તવાઇ આવવાની શક્યતાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, પાલિકા મહેકમ પાછળ અંદાજીત રૂ. 954 કરોડ ખર્ચ કરે છે. છતાંય મોટા ભાગના સમયે પાલિકાની કચેરીઓમાં ખુરશીઓ ખાલી જ જોવા મળે છે.
વડોદરા પાલિકાના ડે. મ્યુનિસિપલ કમિશનર (વહીવટ) કેતન જોષીએ મીડિયાને જણાવ્યું કે, સામાન્ય વહીવટ વિભાગમાં 8 હજાર જેટલી મહેકમ હોય છે. જેમાં લેબર કોર્ટ, અને કોર્ટ સંબંધિત કામગીરી હોય છે. આરોગ્ય અને ખોરાક શાખામાં કર્મચારીઓની ગેરહાજરીને લઇને અમારા તરફથી આકસ્મીક ચેકીંગ હાથ ધરવામાં આવશે. તેમ છતાં સમયાંતરે કર્મચારીઓનું ચેકીંગ કરવાની સૂચના કમિશનર દ્વારા આપવામાં આવી છે. આ બાબત ધ્યાને રાખીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. કોઇ ચોક્કસ કર્મચારી અને ચોક્કસ વિભાગ અંગેની ફરિયાદ હોય તો કાર્યવાહી થઇ શકે. કોઇ પટ્ટાવાળાના નિવેદન પર ઉપલા અધિકારીઓ અંગે કોઇ બાબત માનીને પગલાં લેવા યોગ્ય નથી. હજી સુધી આ બાબત મારા ધ્યાને આવી નથી.