શહેરના વાઘોડિયા રોડ પર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં બાલ્કનીનો ભાગ ધરાશાઈ થતા 5 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ પાલિકાએ સાવચેતીના ભાગ રૂપે શાળા ઇમારત સીલ કરી દીધી હતી. જેને લઈને વિદ્યાર્થીઓનું ભણતર અટવાઈ પડ્યું છે. આજે વાલીઓનો મોરચો પાલિકા કચેરીએ મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરવા આવી પહોંચ્યો હતો. જ્યા બાળકોના ભણતરની ચિંતા કરી સીલ ખોલી આપવા માંગણી કરવામાં આવી હતી.
આશરે એક મહિના અગાઉ શહેરના વાઘોડિયા રોડ ગુરુકુલ ચાર રસ્તા પાસેની શ્રી નારાયણ વિદ્યાલયમાં ચાલુ વર્ગખંડમાં બાલ્કનીનો એક ભાગ કકળભુસ7 થયો હતો. આ દરમિયાન વર્ગખંડમાં બેસેલા 5 વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. શાળાના ટ્રસ્ટીઓ દ્વારા થોડા સમય પહેલા જ શાળા ઇમારતનું રીનોવેશન કરાવ્યું હતું તેમ છતાંય શાળામાં એક ભાગ ધરાશાયી થતા સમગ્ર સ્ટ્રક્ચર શંકાના દાયરામાં આવી ગયું હતું.
દુર્ઘટના સર્જાઈ તે સમયે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલીએ કપુરાઈ પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ આપી હતી. જ્યારે પાલિકા દ્વારા સાવચેતીના ભાગ રૂપે શાળા ઇમારત શીલ કરી દીધી હતી. જે બાદથી શાળા સંચાલકોએ તમામ ધોરણના વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું હતું. જોકે વાલીઓની ફરિયાદ હતી કે, બાળકો ઓનલાઈન શિક્ષણમાં ભણતા ન હોય શાળા શરૂ કરવી જોઈએ. જે માટે ગત રોજ જીલ્લા શિક્ષણ અધિકારીને પણ રજુઆત કરીને શાળા સંચાલકો એલ.સી ન આપતા હોવાની રજુઆત કરી હતી.
આ દરમિયાન વાલીઓનું એક સમૂહ પાલિકા કચેરીએ આવી પહોંચ્યા હતા અને શાળા ઇમારતનું સીલ ખોલી આપવાની માંગણી કરી હતી. જેમાં શ્રી નારાયણ વિદ્યાલયના કહેવાતા ટ્રસ્ટી પણ સાથે હાજર રહ્યા હતા. વાલીઓ અને ટ્રસ્ટી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળ્યાં હતાં.
મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કર્યા બાદ ફક્ત એક દિવસ માટે શાળાનું ફર્નિચર તેમજ બેન્ચ કાઢવા માટે અને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સીલ ખોલી આપવાની સહમતી દર્શાવી હતી. જોકે જે ઇમારતમાં દુર્ઘટના સર્જાઈ હતી એ ઇમારતની મજબૂતી નિર્ધારીત ન થાય ત્યાં સુધી તેમાં શૈક્ષણિક નહીં શરૂ કરી શકાય તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.