વડોદરા નજીક આવેલી નંદેસરી GIDCને મુખ્ય ધોરીમાર્ગ સાથે જોડતી રેલવે ફાટકને સમારકામ માટે બંધ કરતા ઉદ્યોગોમાં આવતું મટીરીયલ અને ભારદારી વાહનોના પરિવહનના ભારે તકલીફો પડી રહી છે. નંદેસરી પાસેના અનગઢ રામગઢના ગ્રામ્ય રસ્તા માંથી ભારદારી વાહનોની અવરજવર શરૂ થતા ગ્રામજનોએ તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો. અને અન્ય કોઈ વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતુ એક તબક્કે સ્થાનિક પોલીસે મધ્યસ્થી કરાવીને મામલો થાળે પાડ્યો હતો.
નંદેસરી રેલવે ફાટક રીપેરીંગ માટે બંધ કરવામાં આવતા હવે ભારદારી વાહનો પાસે અવરજવરનો કોઈ સુરક્ષિત વિકલ્પ રહ્યો નથી.મીની નદીનો બ્રિજ પણ જર્જરિત હાલતમાં છે ત્યારે ભારદારી વાહનો રામગઢ ગામના આંતરિક ગ્રામ્ય રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા છે. આ ગ્રામ્ય રસ્તાઓ પર પગપાળા જતા ગ્રામજનો અને નાના વાહનો સહિત શાળાએ જતા બાળકોની અવરજવર રહે છે. જ્યા દિવસ રાત માટે ભારદારી વાહનોની અવરજવર શરૂ થતાં હવે ગ્રામજનોની ચિંતા વધી છે.
આજે સાંજના સમયે એક બાળક ભારદારી વાહનની નીચે આવી જતા રહી ગયું હતું. જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નંદેસરીના ઉદ્યોગો કોઈ બીજા રસ્તાનો ઉપયોગ કરે તેવી ગ્રામજનોની માંગને લઈને વાહનોની અવરજવર થંભાવી દેવામાં આવી હતી. જ્યારે સ્થાનિક પોલીસે દરમિયાનગીરી કરીને હંગામી ધોરણે મામલો થાળે પાડ્યો હતો.
આગામી સમયમાં વધુ દિવસો સુધી ફાટક બંધ રહેશે તો રામગઢના ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવે તેમ છે. અને જો આ સમય દરમિયાન ભારદારી વાહનો કોઈ અકસ્માત સર્જે તો તેનું માઠા પરિણામો ઉદ્યોગોને ભોગવવા પડે તો નવાઈ નહીં.