આજકાલ વડોદરા શહેર-ગ્રામ્યમાં ચોર આવ્યાની અફવાહ ભારે જોર પકડી રહી છે. જેને લઇને લોકોની રાતની નિંદર હરામ થઇ છે. ત્યારે વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલીમાં બેકરી શોપના માલિક માટે આ અફવાહ સાચી પડી છે. તાજેતરમાં મોડી રાત્રે બેકરી શોપમાં આવેલા તસ્કરો રોકડા, સીસીટીવીની ડીવીઆર સહિતની વસ્તુઓનો સફાયો કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેને પગલે ચોરીની અફવાહ હવે અફવાહ માત્ર નહીં પણ લોકોની જીવનની હકીકત બની રહી હોય તેમ લાગી રહ્યું છે. હવે આ મામલે પોલીસ દ્વારા શું પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું.
વડોદરા શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં ચોર આવ્યા ચોર આવ્યાની વાતો વહેતી થતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. તો બીજી તરફ પોલીસ દ્વારા ચોર ટોળકી અંગેની વાતોનું ખંડન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે ચોરીની અફવાહો વચ્ચે સાવલીના બેકરી શોપમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. જેમાં રોકડા સહિત અનેક વસ્તુઓનો સફાયો કરીને તેઓ લઇ ગયા છે. હવે વેપારી આ મામલે તસ્કરોને જલ્દીથી ઝડપી અને તેમના નુકશાનનું વળતર મળે તેવી આશા રાખીને બેઠા છે.
બેકરી શોપના સંચાલક ધવલભાઇએ મીડિયાને જણાવ્યું કે, હું છેલ્લા દોઢ વર્ષથી બેકરી ચલાવું છું. આજે સવારે મારા રૂટીન મુજબ પોણા આઠ વાગ્યે દુકાન ખોલવા માટે હું આવ્યો હતો. આવીને જોયું તો શટર અને કાચના દરવાજા તુટેલા હતા. જે અફવાહો કહેવામાં આવે છે, તે આજે હકીકત સાબિત થઇ છે. ચોરનું જે કહે છે, તેઓ ખરેખર આવ્યા છે. મારે ત્યાં ચોરી કરીને જતા રહ્યા છે. મારૂ ખરેખર મોટું નુકશાન કર્યું છે. મારે ત્યાંથી કેશ કાઉન્ટર, કેમેરા ડીવીઆર સહિત રૂ. 70 હજાર જેટલું નુકશાન પહોંચ્યું છે. સરકારને વિનંતી કરવાની કે, જે ચોરીના બનાવો ચાલી રહ્યા છે, તે વહેલી તકે ચોરને પકડવામાં આવે. અને મને મારૂ વળતર જલ્દી મળે.