- તેમને લેખિત, મૌખિક અને રૂબરૂમાં પણ તે અંગેની જાણ કરવામાં આવી છે. તેમની રજુઆત ગ્રાહ્ય રાખવા યોગ્ય નથી. – પાલિકા અધિકારી
વડોદરા પાલિકા દ્વારા રખડતા પશુ પકડવાની કામગીરી તેજ કરવાની સાથે હવે લાયસન્સ વગરના પશુને પોતાના વાડામાં માલિકોને ત્યાં તવાઇ હાથ ધરવામાં આવી છે. શહેરના બાપોદ પોલીસ મથક વિસ્તારમાં આજે પાલિકાની ટીમો પહોંચી છે. અહિંયા ઢોરવાડામાં તપાસ કરવા જતા માલિક જોડે શાબ્દિક ઘર્ષણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છેે. માલિકનું કહેવું છે કે, આ મિલ્કત અમારી છે. તેમાં પ્રવેશીને કાર્યવાહી ના કરવી જોઇએ. જ્યારે પાલિકાના કર્મીનું કહેવું છે કે, અમે અહિંયાથી કામગીરીની શરૂઆત કરી છે. ટેગ વગરના કેટલા પશુ છે તેની જાણકારી મેળવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ તકે પાલિકા દ્વારા બાપોદ પોલીસ મથકની ટીમોને સાથે રાખવામાં આવી છે.
વડોદરામાં રખડતા પશુની ફડફેટે મોતની ઘટના તાજેતરમાં સામે આવી હતી. તે બાદ પાલિકા તંત્ર દ્વારા 18 જેટલી ટીમો બનાવીને રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી વચ્ચે આજરોજ વડોદરા પાલિકાની ટીમો બાપોદ પોલીસ મથક વિસ્તારમાં ઢોરવાડા પર પહોંચી છે. અને ટેગ વગરના પશુને જપ્ત કરવાની કામગીરીની તૈયારી દર્શાવી છે. પાલિકાની ટીમને જોતા જ ઢોરવાડાના માલિક ભડક્યા હતા. આ જગ્યા તેમની પોતાની હોવાનું અને તેમાં પ્રવેશીને કાર્યવાહી ના કરવામાં આવે તેની ઉગ્ર રજુઆત તેમણે પાલિકાના અધિકારીઓ સમક્ષ કરી હતી.
બીજી તરફ પાલિકાના અધિકારી ડો. વિજય પંચાલનું કહેવું છે કે, અમારી આજની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમે ઢોરવામાં તપાસ કરીશું. પશુ માલિક દ્વારા તેવી પણ દલીલ કરવામાં આવી છે કે, તેમણે પશુના લાયસન્સ માટે અરજી કરી છે. પરંતુ તેમણે લાયસન્સ મેળવ્યું નથી. લાયસન્સ મેળવી લેવું તેમની જવાબદારી ગણાય છે. તેમને લેખિત, મૌખિક અને રૂબરૂમાં પણ તે અંગેની જાણ કરવામાં આવી છે. તેમની રજુઆત ગ્રાહ્ય રાખવા યોગ્ય નથી. અમે તેમને સહકાર આપીશું પરંતુ તેમણે ફરજીયાત લાયસન્સ લેવા જ પડશે. લાયસન્સ ધારકો જ પશુ રાખી શકશે. તેમની પાસેથી દંડ વસુલવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રકારની કાર્યવાહી આગામી ત્રણ માસ સુધી ચાલું રહેશે.