- મંદિરે દર્શન કરવા ગયા એટલો સમયમાં તસ્કરોએ ઘર સાફ કરી નાખ્યું
- મંદિરેથી પરત આવેલા વૃદ્ધ દંપતીએ ચોર ચોરની બૂમ પાડતા તસ્કર વૃદ્ધાનો અછોડો તોડી ફરાર થયો
વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગુન્હેગારો બેફામ થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ શહેરીજનોની માલ મિલકત પણ સુરક્ષિત નથી. આજે શહેરના દિવાળીપૂરા વિસ્તારમાં મંદિરે દર્શન કરવા ગયેલા સિનિયર સીટીઝનના બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરો માત્ર 15 મિનિટમાં ચોરીને અંજામ આપી પલાયન થઈ ગયા હતા. ઘટના અંગે ભોગ બનનાર પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલા પેરિસ નગર સોસાયટીના સી92 નંબરના મકાનમાં રહેતા સીતારામ કેદારલાલ ગુપ્તા તેઓના પત્ની કમલેશબેન સાથે રહે છે. સિનિયર સીટીઝન પતિ પત્ની આજે સવારે 5.30 કલાકે બંને મંદિરે દર્શન કરવા માટે ઘરના મુખ્ય દરવાજાને તાળું મારીને નીકળ્યાં હતા. આ અરસામાં તસ્કર ટોળકી તેઓના ઘરે ત્રાટકી હતી. ઘરની તિજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં તસ્કરોને માંડ 15 મિનિટનો સમય લાગ્યો હતો.
મંદિરેથી પરત આવતા સમયે સીતારામ ગુપ્તા અને પત્ની કમલેશબેને તસ્કરોને જોઈને બુમરાડ મચાવી હતી. કોઈ મદદ માટે આવે તેવી અપેક્ષાએ ચોર ચોરની બૂમ પાડતા સતર્ક થઈ ગયેલા તસ્કરો ભાગવા માંડયા હતા અને ભાગતા સમયે કમલેશબેનના ગાળામાં પહેરેલો સોનાનો અછોડો તોડીને લૂંટ કરી નાસી છૂટયા હતા. વહેલી પરોઢિયે થયેલી ચોરીની ઘટનાએ વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી છે.
રાત્રી પેટ્રોલિંગ કરતી પોલીસને પડકાર ફેંકતી તસ્કર ટોળકી હવે પરોઢિયે જ્યારે પોલીસ પેટ્રોલીંગ વધુ ન હોય તે સમયે ચોરીને અંજામ આપી રહી છે.સબ સલામતના દાવા વચ્ચે તસ્કરો ઘરફોડ ચોરીની સાથે સાથે લૂંટને પણ અંજામ આપી રહ્યા છે.જેને કારણે નાગરીકોની મિલકતની સાથે સાથે જાનમાલના નુકશાનનો ખતરો પણ વધ્યો છે.