- દુકાનદાર અઠવાડિયાથી મશીન બંધ હોવાનું જણાવી રહ્યા છે. અન્ય ગ્રાહકને ખરીદી બદલ બીલ અંગેનું પુછતા તેને નહીં આપ્યું હોવાનું જણાવ્યું હતું.
વડોદરાને રેલવે સ્ટેશન પર આવેલી શોપમાં ખાસ નોંધ લખવામાં આવી છે કે, બીલ વગર માલની ખરીદી કરવી નહીં. પરંતુ શોપ સંચાલક દ્વારા ખરીદી કરવા બદલ કોઇ પણ પ્રકારનું બીલ આપવામાં આવતું નથી. એટલું જ નહીં પરંતુ પ્લેટફોર્મ પર સામાન વેચતી શોપનો પરવાનો પતી ગયો હોવાનું પણ ત્યાં લગાડેલા સર્ટીફીકેટ પરથી જાણવા મળી રહ્યું છે. ત્યારે આ પ્રકારની બેદરકારીનો વીડિયો જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરીને સત્ય ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વડોદરા રેલવે સ્ટેશન પર મુસાફરોની સવલત માટે ખાણીપીણીથી લઇને વિવિધ શોપ આવેલી હોય છે. આ શોપમાંથી ગ્રાહક છેતરાય નહીં તે માટે તેની બહાર મોટા અક્ષરે લખવામાં આવ્યું છે, બિલ વગર પૈસા આપવા નહીં. મોટા ભાગના લોકો સમજી શકે તે માટે ત્રણ અક્ષરોમાં આ લખાણ લખવામાં આવ્યું છે. ત્યારે ડેરી પ્રોડક્ટ વેચતી શોપ દ્વારા આ સૂચનનું પાલન કરવામાં નહીં આવતા તે માત્ર સુવાક્ય બન્યા છે. આ વાતની ખરાઇ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સામે આવી છે.
વાયરલ વીડિયોમાં ગ્રાહક બીલ અંગે પુછે છે, ત્યારે દુકાનદાર અઠવાડિયાથી મશીન બંધ હોવાનું જણાવી રહ્યા છે. અન્ય ગ્રાહકને ખરીદી બદલ બીલ અંગેનું પુછતા તેને નહીં આપ્યું હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં આ દુકાન બહાર તેના રજીસ્ટ્રેશન સહિતની માહિતીનું કાગળ લગાડવામાં આવ્યું છે. જેમાં જોતા પ્રાથમિક દ્રષ્ટિએ આ શોપનો પરવાનો વર્ષ 2017 સુધીનો જ હોવાનું જાણવા મળી રહ્યું છે.
એક તો આ શોપ દ્વારા બીલ આપવામાં આવતું નથી, અને બીજું કે શોપના માલિક દ્વારા યોગ્ય લાયકાતવાળું સર્ટીફીકેટ લોકોને વંચાય તેમ મુક્યું નથી. જેથી ક્યાંક ગ્રાહકો છેતરાઇ રહ્યા હોવાનો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. આ મામલો હવે સોશિયલ મીડિયાના માધ્યમથી સપાટી પર આવતા આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.