વડોદરાના એક બિલ્ડર દંપત્તિનું મોટું કાંડ સામે આવ્યું. ગોત્રીના બિલ્ડર દંપત્તિએ 160 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરતા ભૉગબનનાર લોકોનું ટોળું ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે ધસી આવ્યું હતું. જ્યાં ગોત્રી પોલીસે બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આનાકાની કરતા લોકોના ટોળાએ પોલીસ વિરુદ્ધ જ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. આખરે પોલીસે બિલ્ડર દંપત્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ગોત્રી વિસ્તરમાં કિશન એમ્બ્રોસિયા નામનો ૬ ટાવર ધરાવતો પ્રોજેક્ટ બની રહ્યો હતો. જેમાં અનેકે લોકોએ જીવનભરની કમાયેલી મૂડી ઘર અને દુકાન ખરીદવામાં રોકી હતી. પરંતુ રોકાણકારોને બિલ્ડર દંપત્તિ ભીખુ કોરિયા અને શિલ્પા કોરિયા છેલ્લાં 5 વર્ષથી મકાન કે દુકાનનું પઝેશન નથી આપી રહ્યા. એટલું જ નહિ લોકોએ 80 ટકા રૂપિયા ચૂકવી દીધા તેમ છતાંય છેલ્લા એક વર્ષથી સાઈટનું કામ બંધ છે. જેથી બિલ્ડરે 160થી વધુ લોકોને છેતર્યા હોવાનો અહેસાસ થતા તમામ ભોગબનનાર 100થી વધુ લોકોનું ટોળું ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ધસી ગયું હતું.
જોકે, ફરિયાદ નોંધાવવા માટે આવેલ લોકોએ પોલીસ સ્ટેશનના પીઆઇએ ફરિયાદ ન લેતા હોબાળો મચાવ્યો હતો. પોલીસ પર બિલ્ડર વિરૂદ્ધ ફરિયાદ ન નોંધવાના આરોપ સાથે ટોળાએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જે દરમિયાન નયનાબેન તેવાની નામની મહિલા પોલીસ સ્ટેશનમાં જ રજૂઆત કરતાં સમયે બેભાન થયા હતા. જેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર આપવામાં આવી હતી.
આખરે લોકોના દબાણ બાદ ગોત્રી પોલીસે બિલ્ડર દંપત્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. ફરિયાદના આધારે ગોત્રી પોલીસે બિલ્ડર ભીખુ કિશન કોરિયાની ધરપકડ કરી છે જયારે પત્ની શિલ્પા કોરિયા ફરાર છે.