દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂમુક્તિ ધરાવતા રાજ્યો કરતા વધુ ગેરકાયદે શરાબ પકડાય છે. અને તેના કરતા અસંખ્ય ગણી શરાબ ગુજરાતમાં પીવાઈ જાય છે. ગુજરાતની આ સરકારી દારૂબંધીમાં દર બે- ત્રણ વર્ષે પોલીસ દારૂના જાત્થાના નાશ કરવાનો પ્રસંગ ઉજવે છે.
જેમાં આજે વડોદરા શહેરના ઝોન-1 માં આવતા પોલીસ મથકોમાં પકડાયેલા શરાબના જાત્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના ઝોન -1 માં આવતા સયાજીગંજ,ફતેગંજ, છાણી, નંદેસરી ,ગોરવા, લક્ષ્મીપુરા અને જવાહરનગર પોલીસ મથકોમાં વર્ષ 2021 થી 23 દરમિયાન 44,410 જેટલી નાની મોટી વિદેશી શરાબની બોટલો ઝડપાઈ છે.
જે વિદેશી શરાબની હેરાફેરી અને વેચાણ કરતા બુટલેગરોને જેલના સળીયા પાછળ મોકલવામાં આવ્યા છે. આ પકડાયેલો શરાબનો જથ્થો હાલ સુધી મુદ્દામાલ રૂમમાં જગ્યા રોકતો હતો જેથી નિયમ પ્રમાણે તેના પંચકયાસ બાદ ડીસીપી કક્ષાના અધિકારી તેમજ એસડીએમની ઉપસ્થિતિમાં શરાબના જાત્થાનો નાશ કરવાનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો.
ધનોરા નજીક પેટ્રોફિલ્સ કંપનીની આગળની ખુલ્લી જગ્યામાં આ શરાબનો જથ્થો હરોળમાં ગોઠવવામાં આવ્યો હતો. અને અધિકારીઓની ઉપસ્થિતિમાં તેના પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. પોલીસની સરકારી કિંમત પ્રમાણે 44,410 નંગ શરાબની બોટલોની કુલ કિંમત 96,36,364 રૂ. આંકવામાં આવી છે.