ઈએમઆરએસ વાઘોડિયાની ૩ વિદ્યાર્થીનીઓએ રાજ્ય કક્ષાની રમતગમત અને સાંસ્કૃતિક સ્પર્ધામાં નામના મેળવી
સાંસ્કૃતિક સ્પર્ધામાં શાળા અને રાજ્યનું પ્રથમ વખત પ્રતિનિધિત્વ સાથે બેંગ્લોર જવા પ્રથમ વાર પ્લેનમાં બેસવાનો મને અનુભવ થયો, જે ક્યારેય ભૂલી શકું નહીં. – નિરાલી રાઠવા, વિદ્યાર્થિની
ગુજરાતમાં અત્યારે ૩૬ જેટલી ઈએમઆરએસ શાળાઓ ચાલી રહી છે, જેમાં આદિવાસી વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવામાં આવે છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલે પણ આદિવાસી વિદ્યાર્થીઓને તેઓના શિક્ષણની સાથોસાથ સપનાને સાકાર કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.
છોટા ઉદેપુરના આદિવાસી વિસ્તારની નિરાલીએ જ્યારે પ્લેનની અંદર પહેલું પગલું ભર્યું ત્યારે તેની લાગણી તેને એક અલગ જ દુનિયામાં લઈ ગઈ. એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની ધોરણ ૯ માં ભણતી આ છોકરીએ તેના ગૌરવની ક્ષણો જીવી અને હવે તેનું સ્વપ્ન જીવી રહી હોવાનું તેને ગર્વ છે. હવે તેના માતા-પિતાને એક દિવસ આવી હવાઈ સફર પર લઈ જવાનું સપનું છે. નિરાલી રાષ્ટ્રીય ગાયન સ્પર્ધા માટે તેની શાળાનું પ્રતિનિધિત્વ કરવા બેંગ્લોર ગઈ જે તેના જીવનની સૌથી યાદગાર ક્ષણ હતી.
નિરાલી વાઘોડિયા ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ શાળા આદિજાતિ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય આદિજાતિ શિક્ષણ સોસાયટી ગાંધીનગર દ્વારા સંચાલિત છે. નિરાલી ધોરણ ૬ થી આ શાળામાં અભ્યાસ કરે છે. તેનું સ્વપ્ન ભવિષ્યમાં શિક્ષિકા બનવાનું અને આદિવાસી વિસ્તારની છોકરીઓને ભણાવવાનું છે.
Advertisement
નિરાલી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં કરતાં તેના સપનાનો પીછો કરી રહી છે. વેકેશન દરમિયાન તે ઘરે જાય ત્યારે તે પોતે પોતાના હાથે માતા-પિતા માટે ચા અને ભોજન તૈયાર કરે છે. આટલી નાનકડી ઉંમરે પણ અભ્યાસની સાથે જવાબદારી પ્રત્યે સભાનતા. તે શિક્ષિકા બનીને પોતાના જેવી આદિવાસી છોકરીઓને શિક્ષિત કરવામાં અને તેમના સપનાને સાકાર કરવામાં મદદરૂપ થવા માંગે છે.
ઈ એમ આર એસ આદિવાસી છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ છાત્રાલયો સાથેની સહ-શિક્ષણ શાળા છે. તમામ વર્ગો સ્માર્ટ છે, વિદ્યાર્થીઓ રહેવા, જમવા અને અન્ય સુવિધાઓ જેવી કે આરોગ્યપ્રદ ખોરાક, દર મહિને મફત કરિયાણા, ગણવેશ, ટ્રેક, બ્લેઝર, શૂઝ, પુસ્તકો સહિત સંપૂર્ણ મફત શિક્ષણ મેળવે છે. પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન પણ આપવામાં આવે છે.અહીંથી પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ એન્જીનીયરીંગ, ડેન્ટલ, બી,એસસી અને નર્સીંગમાં અભ્યાસ કરે છે જે અમારા માટે ગર્વની વાત છે. શાળા દ્વારા સાયન્સ સિટીની ટુર પણ યોજવામાં આવે છે. અમદાવાદ અને વિદ્યાર્થીઓ માટે દર વર્ષે શૈક્ષણિક પ્રવાસ હોય છે. એમ ત્યાંના કમ્પ્યુટર શિક્ષક પ્રતિકસિંહ મહિડાએ જણાવ્યું હતું.
શૈક્ષણિક ઉપરાંત વિદ્યાર્થીઓ ખાસ કરીને છોકરીઓ રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી છે. ૩ છોકરીઓ તાજેતરમાં રમતગમત અને ગાયન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરે છે જે ઉલ્લેખનીય છે. નિરાલી રાઠવા (ગાયન), તૃષા રાઠવા (તીરંદાજી), નિરાલી મુકેશભાઈ રાઠવા (બેડમિન્ટન) એ રાષ્ટ્રીય સ્તરે તેમની શાળાનું પ્રતિનિધિત્વ કર્યું જે તેમના આત્મવિશ્વાસને આગળના સ્તરે લઈ જાય છે.
૨૦૧૯ માં એક છોકરી તિલકવાડા ખાતે આયોજિત રાજ્ય કક્ષાની સાંસ્કૃતિક ટુર્નામેન્ટમાં પ્રથમ ક્રમે આવી અને રાષ્ટ્રીય સ્પર્ધા માટે રાજસ્થાનના ઉદયપુર ગઈ. ૨૦૨૩ માં ધોરણ ૯ ની વિદ્યાર્થીની નિરાલી રાઠવા વેજલપુર ખાતે રાજ્ય કક્ષાની આદિવાસી ગાયન સ્પર્ધા જીતીને રાષ્ટ્રીય સ્પર્ધા માટે બેંગ્લોર ગઈ. તેણીની સંસ્કૃતિ ગાયન સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે રજૂ કરે છે. નિરાલી છોટા ઉદેપુર ખાતે ખેતી કરતા પરિવારમાંથી આવે છે અને ત્રણ બાળકોમાં સૌથી મોટી છે. અગાઉ તેણીએ છોટાઉદેપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો અને બાદમાં પરીક્ષા આપ્યા પછી અહીં શિફ્ટ થઈ ગઈ એમ પ્રતીકસિંહ મહિડાએ વધુમાં કહ્યું હતું.
શાળા છોકરીઓને અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રેરિત કરે છે અને તેઓએ વિશ્વાસપૂર્વક ભાગ લીધો અને રાષ્ટ્રીય સ્તરે તેમની શાળાનું પ્રતિનિધિત્વ કર્યું. “મેં આદિવાસી ગીત ‘આદિવાસી નારી’ ગાયું હતું અને વેજલપુર ખાતેની રાજ્ય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. બાદમાં હું રાષ્ટ્રીય સ્પર્ધા માટે રાજ્યની ટીમ સાથે બેંગ્લોર ગયો હતો અને જીવનમાં પ્રથમ વખત વિમાનમાં મુસાફરી કરી હતી. પ્રવેશતાં જ હું ધ્રૂજી ઊઠી હતી. પ્લેનની અંદર અને કાર્પેટથી લઈને સીટ સુધી બધું જ મારા માટે નવું હતું. મને આકાશમાં ઉડવાનો એ પ્રથમ અને અદ્ભુત અનુભવ હતો. આ ઉંમરે પ્લેનમાં મુસાફરી કરવાનો મને ગર્વ છે. હું મારા પરિવારમાંથી પ્લેનમાં મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ છું અને હવે મારા માતા-પિતાને એક દિવસ રાઈડ પર લઈ જવાનું સપનું છે,” એમ તેણીએ હસતાં હસતાં કહ્યું હતું.