- દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીથી પ્રેરાઇને મહિલાઓ અને બાળકો માટે જે કામગીરી કરી છે, તેને રીપ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો
બેંકોકમાં આયોજિત એશિયા પેસીફીક કોન્ફરન્સ ઓન બિજીંગ + 30 નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો વડોદરાના તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમાર કરવા જઇ રહ્યા છે. કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા તેમની પસંદગી કરવામાં આવી હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે.
તાજેતરમાં બ્રિક્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભારત સરકાર દ્વારા એકમાત્ર વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીની પસંદગી કરવામાં આવી છે. તેઓ ત્યાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ત્યાર બાદ વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ ને બેંકોકમાં આયોજિત આંતરરાષ્ટ્રીય કાર્યક્મમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપવામાં આવ્યો છે. જેમાં તેઓ અન્ય દેશોના પ્રતિનિધિઓ સમક્ષ મહિલા અને બાળ વિકાસ તથા ભારત સરકારના કાર્યોનું પ્રેઝન્ટેશન આપશે.
અંકિતાબેન પરમારએ મીડિયાને જણાવ્યું કે, બેંગકોકમાં આયોજિત કાર્યક્રમ માટે મીનીસ્ટ્રી ઓફ પંચાયતી રાજ દ્વારા મહિલા પ્રતિનિધિ તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી છે. તેની માટે હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. તેમનું એક વિઝન છે કે, મહિલાઓને સૌ પ્રથમ આગળ લાવો. તેમનાથી પ્રેરાઇને મેં મહિલાઓ અને બાળકો માટે જે કામગીરી કરી છે, તેનો રીપ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો છે. આ કાર્યમાં સાંસદ, ધારાસભ્યો તથા અધિકારીઓએ પણ સારો સપોર્ટ આપ્યો છે. આ તકે તમામનો આભાર વ્યક્ત કરું છું. હું મહિલાઓને પગભર બનવા માટે પ્રેરક કામગીરી કરતી રહીશ, મને ભારત દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે રીપ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો છે, તે ગર્વની વાત છે.