મધ્યગુજરાત વીજ કંપની દ્વારા તાજેતરમાં શહેરી વિસ્તારોમાં સ્માર્ટ પ્રીપેઈડ વીજ મીટરો લગાવવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જેનાથી મધ્યમ અને ગરીબના લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડે છે. સ્માર્ટ મીટર લાગવવાના ફાયદા કે ગેરફાયદાની સામાન્ય જાગૃતિ પણ ફેલાવ્યા વિના MGVCL દ્વારા મીટરો થોપી દેવામાં આવી રહ્યા છે. જેનાથી વીજબીલનું ભારણ વધતું હોવાની ફરિયાદ સાથે આજે સુભાનપુરા વીજ કચેરી ખાતે મોટી સંખ્યામાં ગ્રાહકો ધસી આવ્યા હતા. અને ઉગ્ર રજુઆતો કરી હતી.
Advertisement
મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હાલ આવતા વીજબીલમાં બે મહીને બીલી પૂરું પાડવામાં આવે છે. અને તેમાય વપરાશ વધુ આવે તો વીજ યુનિટનો દર પણ વધી જાય છે. આ સગવડિયા ગણિતને કારણે ગ્રાહકોને અચાનક જ બીલમાં 30 થી 40 ટકાનો વધારો વેઠવો પડે છે. બે મહિનાની બિલીંગ સાયકલ ગ્રાહકો માટે નહિ પણ વીજ કંપનીને ફાયદો કરાવવા માટેની વ્યવસ્થા બની ગઈ હતી. ત્યારે હવે વીજ કંપની દ્વારા પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે.
સ્માર્ટ પ્રી પેઈડ મીટરના ફાયદા કે ગેરફાયદા ગ્રાહકોને સમજાવ્યા વિના જાણે ટાર્ગેટ પૂરું કરવા નીકળ્યા હોય તેમ માધ્યમ અને ગરીબ વર્ગના રહેણાંક મકાનોમાં પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. આ મીટરમાં જેટલા રૂપિયાનું રીચાર્જ કર્યું હોય તેટલો સમય વીજ કનેક્શન ચાલે છે. જેના કારણે ગ્રાહકોને અધવચ્ચે વીજબીલ ભરવા જવું પડે છે. જયારે કેટલાક ગ્રાહકોને ઓનલાઈન રીચાર્જની સમજણ ન હોવાથી વીજપુરવઠા વિના રહેવાનો વારો આવે છે.
Advertisement
વીજકંપનીની આવી મનમાની સામે આજે સુભાનપુરાના વીજ ઓફીસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહીશો આવી પહોચ્યા હતા. અને પ્રીપેઈડ વીજ મીટર કાઢી જવા માટે રજૂઆત કરી હતી. જોકે વીજ કંપનીના અધિકારીઓ દ્વારા એક બીજાને ખો આપતા ગ્રાહકો રોષે ભરાયા હતા અને અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ ગોરવા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યાં તેઓએ ગ્રાહકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.