વડોદરા પાસે આવેલો કોટણા બીચ આજે બે યુવાનો માટે કાળ સાબિત થયો છે. આ ઘટનામાં બે યુવકોનું ડુબી જવાના કારણે મોત નિપજ્યું હોવાની પ્રાથમિક માહિતી હાલ તબક્કે મળી રહી છે. 5 મિત્રો કોટણા બીચ પર નાહ્વા પડ્યા હતા. જે પૈકી બે ડુબી જવાથી મૃત્યુ પામ્યા છે. સ્થાનિકો દ્વારા બંનેના મૃતદેહ રેસ્ક્યૂ કરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. હરણી બોટકાંડ બાદ પણ જળાશયોમાં લોકોની સુરક્ષા માટે કોઇ નક્કર પગલાં લેવામાં નહી આવ્યા હોવાની સાબિતી આ કિસ્સો આપી રહ્યો છે.
વડોદરા પાસે મહિસાગર નદી કિનારે આવેલા કોટણા બીચ પર રજાના દિવસે લોકો ઉભરાતા જોવા મળે છે. આ બીચ પર મોટી સંખ્યામાં વોટર સ્પોર્ટસ એક્ટીવીટી હાથ ધરવામાં આવે છે. અહિંયા લોકોની સુરક્ષાને લઇને કોઇ વ્યવસ્થા છે કે નહી તેની કોઇ સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. હરણી બોટકાંડ બાદ પણ જળાશયોમાં લોકોની સુરક્ષાને લઇને ખાસ ધ્યાન આપવામાં નહી આવતું હોવાની સાબિતી આપતી ઘટના આજે સામે આવી છે.
પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા પાસે આવેલા કોટણા બીચ પર આજે પાંચ મિત્રો 4 વાગ્યાના આરસામાં નાહ્વા પડ્યા હતા. તે પૈકી બે યુવાનોનું ડુબી જવાથી મોત નિપજ્યું છે. આ ઘટનામાં મૃતકોના નામ પટેલ જૈનુલ ઇબ્રાહીમભાઇ (ઉં. 20) અને સોહેબ ઇરફાન પઠાણ (ઉં. 19) હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને તાંદલજા વિસ્તારના રહેવાસી હોવાનું સુત્રોએ ઉમેર્યું છે. બંને યુવાનોના મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
બે મિત્રો ડુબતા હોવાનું ધ્યાને આવતા સ્થાનિકો દ્વારા બચાવ કાર્યા હાથ ધરવામાં આવ્યું હતું. પાંચ પૈકી ત્રણને બચાવી લેવામાં આવ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જ્યારે બે યુવાનોનું મૃત્યુ થયું છે. વડોદરાનું તંત્ર હજી બે યુવાનોના મૃત્યુની ઘટના બાદ કેટલા સમયે જાગીને કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.