વડોદરા શહેરના ખોડીયારનગર વિસ્તારના એક રેસિડેન્સીયલ ફ્લેટમાં ચોર પોલીસનો પક્કડદાવ CCTV કેમરામાં કેદ થયો હતો. ગત સાંજના સમયે બનેલી ઘટનામાં એક કાર સોસાયટીના મેઈન ગેટથી અંદર પ્રવેશતી દેખાય છે. અને પાછળથી પોલીસ જવાનો સોસાયટીમાં પ્રવેશે છે. એટલામાં કાર ચાલક પુરપાટ ઝડપે કાર દોડાવી મુકીને સોસાયટીના ગેટને નુકશાન પહોચાડીને કાર હંકારી મુકે છે.
ખોડીયાર નગર પાસે ઉપવન હેરીટેજ નામના ફ્લેટ આવેલા છે. જેમાં ગત રાત્રીના સમયે નાના બાળકો સોસાયટી પરિસરમાં સાયકલ ચલાવીને રમતા હતા. તે સમયે એક સફેદ રંગની સ્વીફ્ટ કાર મેઈન ગેટથી અંદર પ્રવેશી હતી.સિક્યુરીટીગાર્ડે રજીસ્ટરમાં તેની એન્ટ્રી કરાવી હતી. જે બાદ એક પોલીસ કર્મચારી કારની પાછળ પાછળ અંદર પ્રવેશ્યો હતો. અને તરફ કેટલાક બાઈક પર સવાર પોલીસકર્મીઓ સોસાયટી પરિસરમાં પ્રવેશ્યા હતા.
Advertisement
જોતજોતામાં ચાલતો આવેલો પોલીસ જવાન સિક્યુરીટી ગેટ પર આવીને સિક્યુરીટી ગાર્ડને ગેટ બંધ કરવાની સુચના આપે છે. અને ત્યાર પછી સ્વીફ્ટ કાર ચાલક પોતાની કાર સોસાયટી ગેટની બહાર હંકારી જવા માટે સિક્યુરીટી ગેટ તોડીને ભાગી જાય છે. પોલીસથી બચીને ભાગી ગયેલા સ્વીફ્ટ કાર ચાલકનો પોલીસ પીછો કરે છે. સમગ્ર ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઇ જાય છે.
હેરીટેજ ઉપવન સોસાયટીમાં સાંજના સમયે બનેલી ચોર પોલીસની ભાગદોડમાં નાના ભૂલકાઓ પણ ત્યાં જ રમતા હતા. કેટલાક બાળકો સાયકલ પણ ચલાવતા હતા. આ સમયે પોલીસથી ડરીને ભાગેલા કર ચાલકે કોઈ બાળકને અડફેટે લીધો હોત તો મોટી હોનારત સર્જાઈ હોત, સમગ્ર ઘટનાને લઈને સોસાયટીના રહીશોએ ચિંતા વ્યક્ત કરી છે. સોસાયટીમાં ભાડે રહેતા ભાડુઆતોએ પોલીસ વેરીફીકેશન કરાવ્યું છે કે કેમ તેના પર પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.