બે વર્ષ પહેલાં જ તત્કાલીન સાંસદે લોકાર્પણ કરીને નવો બ્રિજ ખુલ્લો મુક્યો હતો
2017માં બ્રિજનો તૂટેલા ભાગનું સમારકામ 2023માં પૂર્ણ થયું
20મે 2023ના લોકાર્પણ થયેલા બ્રિજ પર 6 જુલાઈ 2023એ ગાબડાં પડ્યા હતા, છતાંય ભારદારી વાહનો માટે બ્રિજ ચાલુ રહ્યો!
ગંભીરા બ્રિજ તૂટયા બાદ રણોલી બ્રિજની મજબૂતી પર શંકા થઈ, તો અત્યાર સુધી તંત્ર અકસ્માતની રાહ જોતું હતું?
આણંદ અને વડોદરા જીલ્લાને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સફાળા જાગેલા તંત્રએ રાજ્યભરમાં બ્રિજના સ્ટ્રેન્થની ચકાસણી શરૂ કરી દીધી છે. જેમાં હવે વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને નબળા પૂલ પર ભારદારી વાહનોના પરિવહન પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. હાલ સેગવાથી પોઈચાને જોડતા રંગ સેતુ પર ભારદારી વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુક્યા બાદ બે વર્ષ પહેલા જ બનેલા રણોલી બ્રિજને પણ ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.
ગુજરાતીમાં એક કહેવત છે કે, “દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીવે” આ કહેવત વડોદરા જીલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાર્થક થઈ રહી છે. વર્ષ 2017ના સપ્ટેમ્બર માસમાં રણોલી રેલવે ઓવરબ્રિજનો એક તરફનો ભાગ તૂટી પડ્યો હતો. જે બાદ લગભગ 6 વર્ષે બ્રિજના સમારકામની કામગીરી પૂર્ણ થઈ હતી. હજી તો 2023માં બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં તત્કાલીન સાંસદ રંજનબેન ભટ્ટ અને વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજના લોકાર્પણ બાદ થોડા સમયમાં અહીં મોટા ગાબડા પડવાનું શરૂ થતા તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. અને બ્રિજને ભારદારી વાહનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
એક સપ્તાહ પૂર્વે પણ આ બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર ચાલુ હતી. પણ ગંભીરા બ્રિજ પડી ગયા બાદ તંત્રને નવા બનેલા રણોલી બ્રિજ પર વિશ્વાસ રહ્યો ન હોય તેમ લાગી રહ્યું છે. બ્રિજ પર બેરીકેટ મૂકી દેવામાં આવ્યા છે. અને ભારદારી વાહનો માટે પ્રતિબંધનું ફરમાન આપી દેવામાં આવ્યું છે. જેના કારણે GACL, BPCL, રિલાયન્સ સહિતના મોટા ઉદ્યોગો અને નંદેસરી તરફના ઉદ્યોગો માટે હાઇવે કનેક્ટિવિટી ફરી વાર મુશ્કેલ થઈ ગઈ છે. ભારદારી વાહનો માટે બ્રિજ બંધ કરતા ભારે ભરખમ જોબ તૈયાર કરતા. એન્જીનીયરીંગ ઉદ્યોગો પર પણ તેની અસર જોવા મળશે.જેના કારણે ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મહત્ત્વની વાત તો એ છે કે, બે વર્ષ પહેલાં પ્રજા માટે ખુલ્લો મુકયેલો બ્રિજ જો સક્ષમ ન હતો તો શેના માટે લોકાર્પણ કરવું પડ્યું? લોકાર્પણ કરીને કામ પૂર્ણ થઈ ગયું છે એમ બતાવીને 7 વર્ષથી અટવાયેલો બ્રિજ ખુલ્લો મૂકીને ઇજારદારને ચુકવણું પણ થઈ ગયું!, હવે જ્યારે એક બ્રિજ તૂટ્યો એટલે નવા બનેલા બ્રિજ પર પણ ગુણવત્તાની ચિંતા તંત્રને થઈ રહી છે. તો અત્યાર સુધી કેમ ચૂપ હતા?