- અનેક વિસ્તાર સંપૂર્ણ ધુમાડાથી ગ્રસ્ત બન્યા : શ્વાસની બીમારીથી પીડિત દર્દીઓની મુશ્કેલી વધી.
શહેરીજનોએ પ્રકાશના પર્વને આવકારતા હર્ષોલ્લાસ સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી. ખૂબ આતશબાજી થતા શહેરમાં પ્રદૂષણનું સ્તર અત્યંત જોખમીસ્તરે પહોંચી ગયું હતું.
શહેરમાં પ્રકાશના પર્વ દિવાળીની ધમધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સૌ લોકોએ પરિવારજનો સાથે આનંદના પર્વની એક સાથે ઉજવણી કરી હતી.
આ પ્રસંગે નવા-સુંદર પરિધાન સજ્જ ગરીબ, મધ્યમ, અમીર તમામ વર્ગે પ્રકાશના પર્વને હર્ષભેર મનાવ્યો હતો. પ્રકાશના પર્વ દરમિયાન ગઈકાલે ખૂબ મોટા પ્રમાણમાં ફટાકડા પણ ખૂટ્યા હતા. જેના કારણે ચારે બાજુ પ્રદૂષણ ખૂબ ફેલાયું હતું. ફટાકડાના ધુમાડાના કારણે અનેક વિસ્તાર ખાસ કરીને ગીચ વિસ્તારમાં તો પ્રદૂષણની માત્રા ખૂબ વધી ગઈ હતી.
કેટલાક વિસ્તારમાં જેમાં ખાસ કરીને શહેરના દક્ષિણ ઝોન વિસ્તારમાં આવેલા વિસ્તારોમાં હવાનો પ્રવાહ તે દિશા તરફ હોવાના કારણે અહીંના નાગરિકોને વધુ પ્રદૂષિત હવાનો અનુભવાયો હતો. ખાસ કરીને શ્વાસની બીમારીથી પીડિત દર્દીઓને ધુમાડાના કારણે વધુ મુશ્કેલીઓ સર્જાઇ હતી.
જોકે આજે પડતર દિવસ હોવાથી ખાસ ફટાકડા, ગઈકાલ જેવા વધુ માત્રામાં ફટાકડા ફૂટવાની ધારણા નથી. જેથી ગઈકાલ કરતાં આજે પ્રદૂષણમાં નજીવો ઘટાડો નોંધાશે. તો બીજી તરફ આવતીકાલે નવા વર્ષના પ્રસંગે ફરી એકવાર ફટાકડાના કારણે વધુ ફટાકડા ફૂટવાથી શહેરમાં વધુ પ્રદૂષણ ફેલાશે તેવું અનુમાન છે.