વડોદરામાં વહેલી સવારથી પડી રહેલા એકધારા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલાક માર્ગો પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે ત્યારે વડોદરામાં વરસાદના સમયે પાણી ભરાઈ જવાની સમસ્યાથી પીડિત સિદ્ધાર્થ બંગલોઝમાં પાણી ભરાઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સાથે વિશ્વામિત્રી નદીના કિનારે સંરક્ષણ દીવાલ તૂટી પડતા આસપાસની સોસાયટીના રહીશોની ચિંતા વધી છે.
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં સૌથી જૂની સિદ્ધાર્થ બંગલોઝ સોસાયટીમાં વર્ષીથી વિશ્વામિત્રી નદીનું પાણી પ્રવેશી જાય છે. ભારે વરસાદના સમયે સોસાયટીના મકાનોમાં એક માળ સુધી પાણી ભરાઈ જવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. નજીકથી જ પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પાણી આવતાની સાથે જ સોસાયટીના રહીશોની ચિંતા વધી જાય છે.
આજે સવારથી પડી રહેલા એકધારા વરસાદથી વિશ્વામિત્રી બંને કાંઠે વહી રહી છે. જેના કારણે સિદ્ધાર્થ બંગલોઝની પાછળ આવેલી શ્રવણગ્રીન સોસાયટી પાસે વિશ્વામિત્રી નદીના કિનારેથી પસાર થતા RCC રોડ પરની સંરક્ષણ દીવાલ ધરાશાયી થઈ ગઈ છે. નદીના પાણીને કારણે જમીનનું ધોવાણ થતા સંરક્ષણ દીવાલ ધરાશાયી થઈ જતા આસપાસના રહીશોની ચિંતામાં વધારો થયો છે.
વિશ્વામિત્રી નદીના પાણી હજી નિયંત્રણમાં છે, વિશ્વામિત્રી ભયજનક સપાટીથી દુર છે ત્યારે સિદ્ધાર્થ બંગલોઝ શ્રવણ ગ્રીન્સ સહિતની સોસાયટીને અડીને નદી કિનારે આવેલી સંરક્ષણ દીવાલ તૂટી જતા રહીશોની ચિંતા વધી છે.