વડોદરા જીલ્લાના સાવલી પોલીસ મથકના પી.એસ.આઈ દ્વારા એક યુવકને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરીને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરો અને ધર્મ રક્ષા સમિતિના આદેવાનો પોલીસ મથકની બહાર રાત્રીના સમયે ધરણા પર બેસી ગયા હતા. પોલીસની બર્બરતા સામે કાર્યવાહી કરવાની માંગ સાથે RSS સહીત હિંદુ સંગઠનના કાર્યકરોએ રામધુન પણ બોલાવી હતી.
સાવલી પોલીસ મથકના પી.એસ.આઈ અનિરુદ્ધસિંહ કામલીયા દ્વારા નિર્દોષ નાગરીકોને માર મારવામાં આવતો હોવાની ફરિયાદ વારંવાર ઉઠવા પામી છે. એક વર્ષ પહેલા સાવલી પોલીસ મથકમાં વિસનગર ગામના સરપંચને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા હતા. જોકે તે સમયે પણ પોલીસ અધિકારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જયારે એક દિવસ પહેલા રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન જ હિન્દુ રક્ષા સમિતિના કાર્યકરને સાવલી પોલીસ દ્વારા બેરહેમી પૂર્વક માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.
આર.એસ.એસના જિલ્લાના સહ શારીરિક પ્રમુખ જયપાલસિંહ મહીડાએ આક્ષેપ કર્યા હતા કે, રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન આગેવાની કરનાર ધર્મ રક્ષા સમિતિના આગેવાન પાર્થભાઈને પોલીસે બોલાવીને માર મારવામાં આવ્યો હતો. પાર્થ બેહોશ થયો ત્યાં સુધી સાવલી પી.એસ.આઈએ તેણે લાફા ઝીંકીને માર માર્યો હતો. અગાઉ પણ વિસનગરના સરપંચને ક્રુરતા પૂર્વક માર મારવામાં આવ્યો હતો. પોલીસ રક્ષક છે કે ભક્ષક તે સમજાતું નથી. એક યુવકને બેભાન થાય ત્યાં સુધી તેણે મારવામાં આવ્યો છે. હાલ યુવક સયાજી હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યો છે.
ભોગ બનનાર યુવક પાર્થ સુથારના પિતા અનીલ સુથારે જણાવ્યું હતું કે, પોલીસે ખોટી રીતે મારા દીકરા સામે કાર્યવાહી કરી છે. પોલીસે તેની સામે ગુન્હો નોંધ્યો હોય તો તેની ધરપકડ કરવી જોઈએ, માર મારવાની શું જરૂર હતી? રામનવમીના ઉત્સવમાં RSSના કાર્યકર તરીકે મારો પુત્ર કામ કરે છે તેને લીધે પોલીસ તેના પર કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરે છે. પાર્થ સુથારનાં પિતાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાદરવા પોલીસ મથકના પી.એસ.આઈ લીમ્બોલા માટે તેઓએ ડુંગરીપુરામાં અન્ય કોઈની જમીન પર ફાર્મ હાઉસ બનાવી આપ્યું હતુ. જેની બીલ 28.50 લાખ થયું છે. જેની સામે માત્ર 6.20 લાખ જ ચુકવણી કરી છે. બાકીના પૈસા માટે હું છ મહિનાથી તેઓ સાથે ઉઘરાણી કરું છું જેથી મને અને મારા પરિવાર પર દબાણ લાવવા માટે મારા પુત્રને ખોટા કેસમાં ફસાવી દેવાનું કાવતરું પોલીસે ઘડ્યું છે.
આ અંગે સાવલી પી.એસઆઈ અનિરુદ્ધસિંહ કામલીયાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, યુવક અને તેના પરિવાર દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો ખોટા છે. યુવક પાર્થ સુથાર દ્વારા પોલીસને ગાળો દેવામાં આવી હતી. અને હેડ કોન્સ્ટેબલને જાતિ વિષયક ઉચ્ચારણો કરવામાં આવ્યા હતા. જેથી પોલીસે તેઓ પર કાર્યવાહી કરી છે. પોલીસ પર દબાણ લાવવા માટે આ બધી બાબતો ઉપજાવી કાઢેલી છે. કોઈ પી.એસ.આઈના ફાર્મ હાઉસ બનાવવાના ખર્ચ બાબતે પાર્થના પિતાએ કરેલા આક્ષેપ બાબતે પૂછતા પી.એસ.આઈ કામલીયાએ જણાવ્યું હતું કે, પી.એસ.આઈ લીમ્બોલાનું કોઈ ફાર્મ હાઉસ જ નથી. ગઈકાલે શોભાયાત્રા નીકળી અને એમાં સમગ્ર ઘટના બની જે અંગે પોલીસે કાર્યવાહી કરી છે. આરોપીના પરિવાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા છે.