ધારાસભ્યોએ જિલ્લા કલેક્ટરની સંકલન સમિતિની બેઠકમાં અનેક વખત સવાલો ઉઠાવ્યા છે. પરંતુ આ સમસ્યાનો કોઇ કાયમી હલ આવતો નથી
વડોદરાના સાવલી તાલુકાના વાંકાનેર ગામે અનોખી ઘટના સામે આવી છે. તાજેતરમાં વાંકાનેર ગામે રાત્રીના સમયે લગ્નપ્રસંગ હતો. લગ્નનો જમણવાર ચાલી રહ્યો હતો, તેવામાં અચાનક લાઇટો જતી રહી હતી. જેથી આ અંધારી પરિસ્થીતીમાં યુવાનોએ યુક્તિ અજમાવીને ઉજાસની વ્યવસ્થા કરી આપી હતી. યુવાનોએ જમવાના ટેબલની બંને બાજુ મુકેલા પોતાના વાહનોની હેડ લાઇટ ચાલુ કરી દીધી હતી. જેને પગલે જમી શકાય તેટલું અજવાળું સ્થળ પર થઇ ગયું હતું. જેથી લોકોને ઓછી મુશ્કેલી પડી હતી.
વડોદરા ગ્રામ્યમાં લાઇટ જવાની સમસ્યા સામાન્ય છે. આ અંગે ધારાસભ્યોએ જિલ્લા કલેક્ટરની સંકલન સમિતિની બેઠકમાં અનેક વખત સવાલો ઉઠાવ્યા છે. પરંતુ આ સમસ્યાનો કોઇ કાયમી હલ આવતો નથી. જેને પગલે બત્તીગુલ થવાના કારણે સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાતા હોય છે. તાજેતરમાં આવી એક ઘટના લગ્નપ્રસંગમાં બની હતી. સાવલીના વાંકાનેર ગામે લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં રાત્રીના સમયે લગ્નપ્રસંગનો જમણવાર ચાલી રહ્યો હતો. તેવામાં અચાનક લાઇટ જતા બધા મુંજાયા હતા.
Advertisement
મોટા ભાગના જાનૈયાઓ પાસે મોબાઇલમાં ટોર્ચ લાઇટ તો હતી, પરંતુ તેના અજવાળે બધાયનું જમવું મુશ્કેલ હતું. તેવામાં સ્થાનિક યુવાનોએ અનોખો રસ્તો કાઢ્યો હતો. યુવાનોએ જમવાના ટેબલની બંને બાજુઓ પોતાના વાહનો લાવીને મુક્યા હતા. અને ત્યાર બાદ તેને ચાલુ કરીને હેડ લાઇટ ફુલ ફોકસ સાથે ચાલુ કરી દેવામાં આવી હતી. જેને પગલે જમવાના ટેબલ પર સારો એવો ઉજાસ પથરાયો હતો. જેથી લગ્નપ્રસંગમાં આવેલા મહેમાનો વાહનોની હેડ લાઇટના અજવાળે શાંતિ પૂર્વક રીતે જમી શક્યા હતા.
આમ, કપરા સમયે લોકોએ વિજ કંપની પર રોષ કાઢવાની જગ્યાએ પોતાનું કામ આસાનીથી પૂર્ણ થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા યુઝર્સ યુવાનોના પ્રયોગની સરાહના કરી રહ્યા છે, અને બીજી તરફ આ પ્રકારે વિજ પુરવઠો ખોરવાઇ જતા તંત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે.