- મગર નીકળીને સોસાયટી તરફ જઇ રહ્યો હતો. પરંતુ સોસાયટીના રહીશોને જોતા જ તેણે યુ ટર્ન માર્યો હતો. અને રોડ પર આવીને બેસી ગયો
વડોદરામાં વગર ચોમાસે મગર નીકળવાની ઘટનાનો સિલસિલો ચાલુ છે. ગતરાત્રે શહેરના કામઆલા સ્મશાન પાસેના બ્રિજ પરથી 11.5 ફૂટના મહાકાય મગરને રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે. મગર નદી વિસ્તારમાંથી નીકળીને રહેણાંક સોસાયટી તરફ જઇ રહ્યો હતો. જો કે, મગરે સ્થાનિકોને જોતા જ તેણે યુ ટર્ન માર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યાર બાદ મગરે ઓવર બ્રિજના ફૂટપાથ પાસે અડિંગો જમાવ્યો હતો. આખરે દોઢ કલાકની જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કરીને સહીસલામત રીતે વન વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. જેને પગલે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
સમગ્ર ઘટનાક્રમ અંગે વડોદરાના પ્રાણીપ્રેમી હેમંતકુમાર વઢવાણાએ મીડિયાને જણાવ્યું કે, ગઇ કાલે મળસ્કે 11.5 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. કાસમ કબ્રસ્તાન પાસે આવેલા કાસમ બ્રિજ નજીકથી આ મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ મગર હોવા અંગેની જાણ પોલીસ, ફાયર, અને સ્થાનિકો દ્વારા અમને કરવામાં આવી હતી. ત્યાર બાદ હું અને મારી ટીમ તથા ફોરેસ્ટના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને મગરનું રેસ્ક્યૂ કર્યું છે.
વધુમાં જણાવ્યું કે, પ્રાથમિક માહિતી પ્રમાણે આ મગર નીકળીને સોસાયટી તરફ જઇ રહ્યો હતો. પરંતુ સોસાયટીના રહીશોને જોતા જ તેણે યુ ટર્ન માર્યો હતો. અને રોડ પર આવીને બેસી ગયો હતો. તેણે બ્રિજના ફૂટપાથ પર અડિંગો જમાવ્યો હતો. મોડી રાત્રે બે વાગ્યાના આરસામાં દોઢ કલાકની જહેમત બાદ તેને રેસ્ક્યૂ કર્યો છે. અને મગરને સહીસલામત રીતે રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો છે.