બાબા બર્ફાનીના અમરનાથ ધામના દર્શન માટે જરૂરી મેડીકલ સર્ટીફીકેટ માટેના હેલ્થ ચેકઅપ આજથી શરુ કરી દેવામાં આવ્યા છે. શહેરના માંડવીની જમનાબાઈ હોસ્પીટલમાં મેડીકલ ઓફિસરની ઉપસ્થિતિમાં શ્રદ્ધાળુઓના મેડીકલ ચેકઅપ કરવામાં આવી રહ્યા છે. જ્યાં આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં યાત્રાળુઓનો ધસારો અહી જોવા મળ્યો હતો. જોકે માત્ર 50 ટોકન જ આપવામાં આવતા યાત્રાળુઓ રોષે ભરાયા હતા.
અમરનાથ યાત્રામાં જવા માટે મેડીકલ ફિટનેસના પ્રમાણપત્રની જરૂર પડે છે. જેના માટે શ્રધ્ધાળુઓએ આધારકાર્ડની ઝેરોક્ષ અને યાત્રા માટે મેડિકલ ચેકઅપનું ફોર્મ સાથે રાખીને મેડીકલ ચેકઅપ કરાવવાનું હોય છે. તંત્ર દ્વારા અગાઉથી જ જાહેરાત કરવામાં આવી હતી કે શહેરના જમનાબાઈ હોસ્પિટલમાં વહેલા તે પહેલા ધોરણે 50 ટોકન આપવામાં આવશે, જોકે આજે 50 થી વધુ શ્રદ્ધાળુઓ મેડીકલ ફિટનેસ સર્ટીફીકેટ માટે આવી પહોચ્યા હતા.
આ વર્ષે લગભગ 29 જુનથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થવાનો છે. જે માટે મેડીકલ ચેકઅપ શરુ કરવામાં આવ્યું છે. આજે પહેલા દિવસે મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ મેડીક ચેકઅપ માટે આવી પહોચ્યા હતા. કપરા ચઢાણમાં ઓક્સીજન લેવલ ઘટી જવાની તકલીફોને કારણે મેડીકલ કરાવવું ફરજીયાત છે ત્યારે આજે પહેલા દિવસે નિયત સંખ્યા કરતા પણ વધુ શ્રદ્ધાળુઓ આવી જતા અવ્યવસ્થા સર્જાઈ હતી.
ટોકન લેવા યાત્રાળુ મહિલા ડીમ્પલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે,50 ટોકન સામે 100થી 200 લોકો આવી ગયા છે. અને ભારે ધક્કામુક્કી અને ભીડ સર્જાઈ છે. ભીડના કારણે બ્લડપ્રેશર પણ હાઈ થઇ જાય છે. અને ત્યાર બાદ મેડીકલ ચેકઅપ દરમિયાન બ્લડ પ્રેશર નોર્મલ ન હોય તો ફિટનેસ સર્ટિફિકેટ મળતું નથી. જેથી કોઈ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.
બીજી તરફ છેલ્લા 20 વર્ષથી અમરનાથ યાત્રાએ જતા અર્ચેસ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 20 વર્ષથી અમરનાથ યાત્રામાં જેટલી તકલીફ નથી પડતી તેટલી તકલીફ ફક્ત મેડીકલ સર્ટીફીકેટ લેવામાં પડે છે. યાત્રા દરમિયાન તમામ વ્યવસ્થાઓ હોય છે. જોકે યાત્રા પહેલાના પેપર વર્કમાં યાત્રાળુઓને ધક્કા ખવડાવીને થકાડી દેવામાં આવે છે.
યાત્રાળુઓને પડેલી તકલીફ બાબતે જમનાબાઈ હોસ્પિટલના મેડીકલ ઓફિસર ડો. પ્રકાશ ચૌહાણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અગાઉથી જ જાણ કરેલી છે કે, રોજના માત્ર 50 ટોકન જ આપવામાં આવશે તેમ છતાય જાગૃતતાના અભાવે આજે ભીડ ઉમટી આવી છે. જમનાબાઈ હોસ્પીટલમાં માર્યાદિત સ્ટાફ છે જેથી ટોકનની સંખ્યા પણ માર્યાદિત છે. શહેરની સયાજી હોસ્પિટલ ને ગોત્રી મેડીકલ કોલેજ ખાતે પણ યાત્રાળુઓ માટે મેડીકલ ફિટનેસ સર્ટીફીકેટની સુવિધા ઉપલબ્ધ છે. અને ત્યાં પુરતો સ્ટાફ હોવાને કારણે વધુ લોકો પોતાનું મેડીકલ કરાવી શકે છે. જેમ જેમ જાગૃતતા વધશે તેમ તેમ અહિયાં ભીડ ઓછી થશે