વડોદરા લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવાની આજે અંતિમ તારીખ હતી ત્યારે ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોષીનું મેન્ડેડ અંતિમ કલાકો સુધી નહિ આવતા એક તબક્કે દોડધામ મચી ગઈ હતી. જોકે સમય પૂર્ણ થાય તેના બે કલાક પહેલા ઉમેદવારે મેન્ડેડ જમા કરાવી દેતા હાશકારો થયો હતો.
સામાન્ય રીતે ઉમેદવારો જયારે પણ ઉમેદવારી ફોર્મ જમા કરાવે ત્યારે જે પક્ષ દ્વારા તેઓને ઉમેદવારી આપવામાં આવી હોય તેનું મેન્ડેડ પણ સાથે જ સબમિટ કરતા હોય છે. જોકે ભાજપના વડોદરા લોક્સભના ઉમેદવાર ડો. હેમાંગ જોષીના ઉમેદવારી ફોર્મ સુપ્રત કરતા સમયે તેમાં પક્ષનું મેન્ડેડ જમા કરવામાં આવ્યું ન હતું. જે મેન્ડેડને ફોર્મ ભરવાની અંતિમ તારીખ સુધી પણ ભરી શકાય છે. ત્યારે આજે મેન્ડેડ માટે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.
આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સવારથી જ મેન્ડેડ માટેની દોડધામ જોવા મળી હતી. જોકે ઉમેદવાર ડો. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, મેન્ડેડ ફોર્મ ભર્યું તે દિવસે જ આવી ગયું હતું પણ સમયના અભાવે જમા કરી શક્યા ન હતા. આજે ડો. હેમાંગ જોષીએ બપોરે એક કલાકે મેન્ડેડ સમેત અન્ય બે ફોર્મ પણ જમા કરાવ્યા હતા.
આ મામલે જીલ્લા કલેકટર બીજલ શાહે જણાવ્યું હતું કે, રાજકીય પક્ષ માંથી ઉમેદવારી નોંધાવતા હોય ત્યારે મેન્ડેડ જમા કરાવવું પડે છે. જોકે આમાં ફોર્મ રદ્દ થવાની સંભાવનાઓ ઉભી થતી નથી. ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી ગમે ત્યારે મેન્ડેડ જમા કરાવી શકાય છે. ફોર્મ ભરવાની તારીખ અને સમય નીકળી ગયા બાદ તેમાં કોઈ નવા દસ્તાવેજ ઉમેરી શકાય નહિ.