રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફટી ને લઈને મેગા ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં બહુમાળી ઇમારતો,કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોસ્પિટલો સહિત તમામ સ્થળે ફાયર સેફટીના સાધનો કામ કરે છે કે કેમ, તેની તમામ ચકાસણીઓ સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જ્યાં આજે વડોદરા ફાયર બ્રિગેડ અને પાલિકાના સંયુક્ત ઓપરેશન હેઠળ માંજલપુરના પ્રચલિત સરસ્વતી કોમ્પ્લેક્સની 180 થી વધુ દુકાનોને ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવી છે.
રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગ્યા બાદ 27 થી વધુ લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. જે ઘટના બાદ સફાળે જાગેલું રાજ્યનું તંત્ર ઠેક ઠેકાણે ફાયર સેફ્ટીના સાધનો ચકાસવા માટે નીકળ્યું છે. શહેર જિલ્લામાં મોટા પ્રમાણમાં પ્રથમ તબક્કામાં ગેમ ઝોન તેમજ એમ્યુઝમેન્ટ પાર્કમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પૂરતી વ્યવસ્થા ન હોય તેવા તમામ એકમોને નોટિસ ફટકારીને સીલ કરવામાં આવ્યા હતા.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં પણ સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલો, મોલ મલ્ટિપ્લેક્સ, શાળાઓ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતની સતત અવર-જવર ધરાવતી ઇમારતો પર પાલિકાની ફાયર ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવે છે. ફાયર સેફટી ના લાગેલા સાધનો પૂરતા છે કે કેમ અને આપાતકાલીન સ્થિતિમાં કામ કરી શકે છે કે કેમ, તેની તમામ ચકાસણીઓ કરવામાં આવી રહી છે જેમાં 50% થી વધુ ઇમારતો ફાયર સેફટીના નીતિ નિયમોમાં ખરી ઉતરી નથી.
આજે વડોદરા મહાનગરપાલિકા તેમજ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા માંજલપુર વિસ્તારમાં આવેલા સરસ્વતી કોમ્પ્લેક્સમાં તપાસ હાથ ધરવામાં આવી હતી સરસ્વતી કોમ્પ્લેક્સમાં અનેક ટ્યુશન ક્લાસીસ આવેલા છે. જેમાં પૂરતી ફાયર સેફટીની સુવિધાઓ ન હોવાના કારણે પાલિકાએ કડક કાર્યવાહી કરીને 180 જેટલા કોમર્શિયલ યુનિટને સીલ કરવામાં આવ્યા છે. આ કોમર્શિયલ યુનિટમાં ફાસ્ટ ફૂડની દુકા, કોમર્શિયલ ઓફિસ તેમજ એજ્યુકેશન ક્લાસનો પણ સમાવેશ થાય છે. ફાયરના નીતિ નિયમોનું પાલન નહીં થાય ત્યાં સુધી આ મિલકતોને સીલ કરી દઈને પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.