વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિન્કીબેન સોની ના નામે બોગસ વોટ્સએપ એકાઉન્ટ બનાવીને ગઠિયાઓ દ્વારા ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ મામલે લોકોને સજાગ કરતા મેયર પિન્કીબેન સોની દ્વારા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવા કોઇ પણ અજાણ્યા નંબર પરથી તેમના નામે આવતા મેસેજ અને ફોનકોલને બ્લોક કરવા અને કોઇ પણ પ્રકારની માંગણીને નહી અનુસરવા માટે અપીલ કરવામાં આવી છે. વડોદરામાં અગાઉ પણ અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ પ્રકારે ગઠિયાઓના કારસ્તાનનો ભોગ બની ચુક્યા છે.
આપણે ઇન્ટરનેટના યુગમાં જીવી રહ્યા છીએ. હવે આંગળીના ટેરવે બધી સુવિધાઓ મળી રહે છે. આ જ સુવિધાઓનો ગેરફાયદો ઉઠાવવામાં ગઠિયાઓ પણ પાછળ નથી. છેલ્લા લાંબા સમયથી ગઠિયાઓ દ્વારા નામચીન વ્યક્તિઓ, નેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓના નામે બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને છેતરપિંડી આચરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. આ કૃત્ય સામે આવ્યા બાદ તેના પર કાર્યવાહી થાય છે. પરંતુ ગઠિયાઓની આ માયાજાળને સદંતર બંધ કરવામાં કોઇ નક્કર સફળતા મળી નથી. આજે ગઠિયાઓની આવી જ ચાલાકીનો શિકાર શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિન્કીબેન સોની બન્યા છે.
આજે સવારે મેયર પિન્કીબેન સોની દ્વારા તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલ થકી આ વાત અંગે લોકજાગૃતિ લાવવા માટેનો મેસેજ કરવામાં આવ્યો છે. તેમાં તેઓ જણાવે છે કે, મારુ નામ અને ડીપીમાં મારો ફોટો રાખી કોઈ દ્વારા ફેક વોટ્સએપ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે જે દ્વારા લોકોને વોટ્સએપ મેસેજ અને કોલ કરવામાં આવી રહ્યા છે, જો આપને કોઈપણ ફોન કે મેસેજ આવે તો તેનો જવાબ આપવો નહીં, નંબર બ્લોક કરવો તથા કોઈપણ પ્રકારની માંગણી થાય તો અનુસરવું નહિ. મારો આવો કોઈપણ અજાણ્યો નંબર નથી.