- યુવકને ઘરે દારૂની મહેફિલ કરવા બોલાવી ઓશિકાથી મોઢું દબાવી મોતને ઘાટ ઉતાર્યો
- લાશને સગેવગે કરવા હત્યારાની માતાએ મદદ કરી,પોલીસે લાશની શોધખોળ શરુ કરી
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા મોતીનગરમાં પત્ની અને એક સંતાન સાથે સંયુક્ત પરિવારમાં રહેતા 30 વર્ષીય ફાઈનાન્સર જૈમીન વિનોદભાઈ પંચાલ નાણા ધીરધાર નું કામ કરતો હતો. ગત 31 તારીખે જૈમીન પોતાની બાઈક લઈને ઘરેથી નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઇ ગયો હતો. મોડી રાત સુધી ઘરે પરત નહિ આવતા પરિવારે તેની શોધખોળ શરુ કરી હતી. જોકે તેનો કોઈ પત્તો નહિ લાગતા મકરપુરા પોલીસેને જૈમીન ગુમ થયાની ફિરયાદ આપવામાં આવી હતી. ફાઈનાન્સનું કામ કરતો યુવક ભેદી સંજોગોમાં ગુમ થયાની ફરિયાદ મળતા જ પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ઘનિષ્ટ શોધખોળ આરંભી હતી.
પોલીસે તપાસ દરમિયાન જૈમીનના મોબાઈલનું અંતિમ લોકેશન તરસાલી બાયપાસ નજીક એક રહેણાંક વિસ્તારમાં દેખાયું હતું. જે વિગતના આધારે પોલીસે તરસાલી બાયપાસ નજીકના સીસીટીવી તપાસવાનું શરુ કર્યું હતું. જેમાં જૈમીન ગુમ થયા બાદ તેની બાઈક લઈને એક બુકાનીધારી યુવક તરસાલી વિસ્તારમાં અવરજવર કરતો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે બાઈકને એક ગેરજમાં જતા જોઈ હતી અને ત્યાં જઈને તપાસ કરતા ગેરેજ માલિકને તે બાઈક જૈમીનના ખાસ મિત્ર સતીષ વસાવાએ ગેરેજ માલિકને વેચી દીધી હોવાનું સામે આવ્યું હતું. પોલીસને મહત્વની કડી હાથ લાગતા સતીષ વસાવાની અટકાયત કરીને પૂછપરછ શરુ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસ પૂછપરછમાં સતીષ વસાવાએ જણાવ્યું હતું કે, જૈમીનને 31 તારીખે સતીષે તેના ઘરે શરાબની મેહેફીલ માટે બોલાવ્યો હતો. જ્યાં ઘરે દારૂની પાર્ટી કરી હતી. જૈમીનને ચિક્કાર દારૂ પીવડાવ્યા બાદ તેના મોઢા પર બળપૂર્વક ઓશીંકુ દબાવીને સતીષે ઠંડા કલેજે જૈમીનની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ જૈમીનની લાશને ઠેકાણે લગાવવા માટે સતીષ વસાવાની માતાએ પણ મદદ કરી હતી. મોપેડના કવરમાં જૈમીનની લાશ ઢાંકીને લાશને જૈમીનની બાઈક પર મૂકી હતી. અને ત્યાર બાદ હાઇવે પર માતાને બાઈક પરથી ઉતારી રીક્ષામાં રવાના કર્યા બાદ લાશને ધનીયાવી પાસે લઇ જઈને નર્મદા એપ્રોચ કેનલમાં ફેંકી દીધી હતી.
ફિલ્મી કહાની ની જેમ હત્યાને અંજામ આપનાર સતીષ વસાવાની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીએ મારનાર જૈમીન પાસેથી ટુકડે ટુકડે દોઢ લાખ જેટલી રકમ ઉધાર લીધી હતી. જે રકમ માટે જૈમીન ઉઘરાણી કરતો હતો. અને આ મામલે બંને વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. ઉધાર લીધેલા નાણાં પરત ન આપવા પડે તે માટે માતા પુત્રએ હત્યાનું કાવતરું ઘડી નાખ્યું હતું. સતીષે જૈમીનની હત્યા કરીને લાશને કેનાલમાં ફેંકતા પહેલા શરીર પર પહેરેલું સોનું લુંટી લીધું હતું અને મોબાઈલ તેમજ એટીએમ પણ કેનાલમાં ફેંકી દીધા હતા.
સમગ્ર ઘટનામાં મકરપુરા પોલીસે જૈમીન પંચાલના મૃતદેહ ની શોધખોળ આરંભી છે. જયારે કેનાલમાં ફેંકેલી લાશ શોધવા કેનાલનું પાણી પણ બંધ કર્યું હોવાની માહિતી મળી છે.