જિલ્લાના કરજણ તાલુકાના નેશનલ હાઈવે નંબર 48 ઉપર માંગલેજ પાસેથી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટ્રકમાં લઈ જવાતો રૂપિયા 11.81 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
આ બનાવ અંગેની માહિતી આપતા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે, ભરૂચ તરફથી એક ટ્રકમાં દારૂ વડોદરા તરફ આવી રહ્યો છે. જે માહિતીના આધારે માંગલેજ પાસે પોલીસે વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન માહિતી વાળી ટ્રક આવતાની સાથે તેને રોકી હતી અને તેમાં તપાસ કરતા તેમાંથી 161 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પી.આઇ. કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ બનાવમાં પોલીસે દારૂ ભરેલી ટ્રકના ચાલક ઈર્શાદખાન નસરુખાન (રહે. ખટકરકા, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. જ્યારે ટ્રકમાં ચાલકની સાથે આવેલ મુબારીકખાન નેહનાખાન મુસ્લિમ ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભુપત રાઠોડે કરજણ પોલીસ મથકમાં ઝડપાયેલ ટ્રક ચાલક તેમજ ફરાર થઇ ગયેલા આરોપી અને આ દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી.
ઝડપાયેલો દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ રૂપિયા 16,81,000 નો મુદ્દામાલ કરજણ પોલીસના હવાલે કર્યો હતો. કરજણ પોલીસે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે નોંધાયેલી ફરિયાદના આધારે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લવાતો હતો અને ક્યાં પહોંચતો કરવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.