- આજે આ ઉમેદવારોના ધરણાનો ચોથો દિવસ છે. તેઓ વિજ કંપનીના ગેટ પાસે જમીન પર સમય વિતાવીને તેઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે
રાજ્ય સરકારની ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં હેલ્પરની 800 જગ્યા પર ભરતી અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી વીજ કંપની અથવા સરકારે કરી નથી. જેને પગલે રાજ્યભરમાંથી આવેલા 100થી વધુ એપ્રેન્ટિસ ઉમેદવારો રેસકોર્સ ખાતે વીજ કંપનીના ગેટ પાસે વિતેલા 4 દિવસથી ભૂખહડતાળ પર ઊતર્યા છે. દિવસ રાત જોયા વગર તેઓ આ ભરતી પ્રક્રિયા સત્વરે પૂર્ણ થાય તેવી માંગ સાથે વિજ કંપનીની રેસકોર્ષ સર્કલ – વડોદરા સ્થિત મુખ્ય કચેરીએ વિરોધ કરી રહ્યા છે. આજે વિરોધકર્તા બે યુવાનોની તબિયત લથડતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોત્રી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જીસેક દ્વારા જૂન-2022માં 800 હેલ્પરની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં 5500થી વધુ ફોર્મ ભરાયાં હતાં. જે-તે સમયે વેરિફિકેશન થયું હતું, પણ પરીક્ષા લેવાઈ નથી. ત્યાર બાદથી લઇને આગળ કોઇ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. જેને પગલે સેંકડો ઉમેદવારો લાંબા સમયથી અવઢવ વચ્ચે જીવી રહ્યા છે. આ મામલે ભરતી પ્રક્રિયા સત્વરે પૂર્ણ થાય તેવી માંગ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો વડોદરામાં રેસકોર્ષ સ્થિત વિજ કંપનીની મુખ્ય કચેરીના ગેટ બહાર ધરણા કરી રહ્યા છે.
આજે આ ધરણાનો ચોથો દિવસ છે. ગેટ પાસે જમીન પર બેસીને સમય વિતાવીને તેઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. તકડો હોય કે રાત 24 કલાક તેઓ રોડ પર જ જોવા મળે છે. આ વચ્ચે આજે વિરોધ પ્રદર્શન કરતા બે યુવાનોની તબિયત લથડી હતી. અને તેઓમાં અશક્તિના લક્ષણો જણાતા તેમને તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે ગોત્રી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આટલું થવા છતાં સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી. અને કોઇ ચોક્કસ નિષ્કર્ષ સુધી પહોંચવામાં સફળતા મળી નથી.