વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. એક તરફ હત્યા જેવા ગંભીર ગુન્હાઓ વડોદરા શહેરમાં નોંધાઇ રહયા છે ત્યારે હવે અસામાજિક તત્વો મધ્યરાત્રીએ ખૂની ખેલ કરવા તીક્ષ્ણ હથિયારો સાથે શહેરના રાજમાર્ગો પર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જ્યારે 24 કલાક ધમધમતા વિસ્તારમાં પણ સેમ નાગરિકો રાત્રીના સમયે સુરક્ષિત નથી તેનો એક જીવતું ઉદાહરણ ગત રાત્રીના સમયે જોવા મળ્યું હતું.
શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર મધ્યરાત્રિથી જ બહારથી વેપારીઓ ફળ અને શાકભાજી લઈને આવતા હોય છે. આ વિસ્તારમાં રાત્રીના સમયે સતત ચહેલપહેલ રહે છે. પણ અહીંના લોકો અસામાજીક તત્વોના દહેશત હેઠળ વેપાર કરવા મજબૂર બન્યા છે.
ગત રાત્રીની વાત કરીએ તો રિક્ષામાં આવેલા નશામાં ધૂત કેટલાક અસામાજીક તત્વોએ વિસ્તાર માથે લીધો હતો. હાથમાં ચાકુ અને શરાબની બોટલ સાથે જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. નશામાં છાંટકા બનેલા અસામાજીક તત્વોને સમાજવવા માટે સ્થાનિક રાહદારીઓએ પણ હાથ જોડવા પડયા હતા.
આ દરમિયાન મુખ્ય રસ્તા પર હુમલાની ઘટના મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસને જોઈને અસામાજીક તત્વો શાંત થઈ ગયા હતા.જ્યારે ચિક્કાર નશાની હાલતમાં જાહેરમાં મારઝૂડ કરતો આ તત્વોનો વિડીયો સોશ્યલ મોડિયામાં વાયરલ થયો છે. હાલ તો પોલીસે તોફાની તત્વોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.