- નમો કમલમ ખાતે મોટી સંખ્યામાં ધ્વજ વંદન માટે હાજર કોર્પોરેટરનું સામાન્ય જ્ઞાન ચકાસવા માટે મીડિયા દ્વારા સવાલો પુછવામાં આવ્યા હતા
26 જાન્યુઆરીના રોજ વડોદરા સહિત દેશભરમાં પ્રજાસત્તાક દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. તે પૈકી વડોદરા ભાજપના નવા કાર્યાલય નમો કમલમ ખાતે પ્રથમ વખત ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં કોર્પોરેટર અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન મીડિયા દ્વારા કોર્પોરેટરોને ધ્વજના કલર, અશોક ચક્રનું મહત્વ સહિતના સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પુછવામાં આવતા તેઓ અટવાયા હતા. અને ગોળ ગોળ જવાબ આપીને મીડિયાથી બચતા નજરે પડ્યા હતા.
વડોદરામાં ચાલુ વર્ષના અંતમાં કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાનાર છે. હાલમાં સત્તાપક્ષના જેટલા કોર્પોરેટરો છે, તે તમામ પોતે રીપીટ થાય તેવી આશા રાખી રહ્યા છે. ત્યારે પ્રજાસત્તાક દિન નિમિત્તે નમો કમલમ ખાતે મોટી સંખ્યામાં ધ્વજ વંદન માટે હાજર કોર્પોરેટરનું સામાન્ય જ્ઞાન ચકાસવા માટે મીડિયા દ્વારા સવાલો પુછવામાં આવ્યા હતા. જેના જવાબ આમ તો પ્રાઇમરી શાળામાં ભણતો બાળક તુરંત આપી દે, પરંતુ કોર્પોરેટરોને જવાબ આપવામાં ફાંફાં પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
વોર્ડ નં – 10 ના ભાજના કોર્પોરેટર લીલાબેન મકવાણાને પુછવામાં આવ્યું કે, આપણા રાષ્ટ્ર ધ્વજમાં કેટલા કલર આવ્યા છે, અને તે કઇ રીતે તેની ગોઠવણ છે. જેમાં તેઓ કલર સાચા બોલ્યા હતા, પરંતુ તેની ગોઠવણ અંગે સાચો જવાબ આપી શક્યા ન્હતા. ત્યાર બાદ તેમને અશોક ચક્રના મહત્વ અંગે પુછતા તેઓ સાચો જવાબ આપી શક્યા ન્હતા. બાદમાં ભાજપના કોર્પોરેટર રૂપલબેન મહેતાને રાષ્ટ્રધ્વજ કોણે બનાવ્યો, રાષ્ટ્રગીત કયું, રાષ્ટ્રગીત કોણે લખ્યું તેમ પુછવામાં આવ્યું હતું. તેઓ કોઇ પણ પ્રશ્નના સાચા જવાબો આપી શક્યા ન્હતા. ત્યાર બાદ ભાજપના કોર્પોરેટર સંગીતાબેન ચોક્સીને રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત અંગેનો તફાવત તથા તે કોના દ્વારા લિખિત છે તેવા સવાલ પુછવામાં આવ્યા હતા. જેના બદલામાં તેઓ ગોળ ગોળ જવાબ આપતા જણાયા હતા.