વડોદરા જીલ્લાની મંજુસર GIDCમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે જેમાં ગત રાત્રીના સમયે પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેકટરીમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. સાવલી તેમજ મંજુસર GIDCના 4 જેટલા ફાયર ફાઈટરો આગ પર કાબુ મેળવવા માટે કામે લાગ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાની મંજુસર GIDCમાં કે.બી પ્લાસ્ટિક નામક ફેકટરી આવેલી છે જ્યાં પ્લાસ્ટિકના ભંગાર માંથી પ્રોસેસિંગ દ્વારા પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવે છે. ગત રાત્રીના સમયે કંપની પરિસરમાં પડેલા પ્લાસ્ટીલના ભંગારમાં અચાનક આગ લાગવા પામી હતી. જેની જાણ ફાયરબ્રિગેડને થતા તાબડતોબ 4 જેટલા ફાયરફાઈટર વાહનો સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.
મહત્વની વાત એ છે કે,મંજુસર GIDCમાં જ્યારે જ્યારે આગની ઘટના બને છે ત્યારે ફાયરબ્રિગેડને પાણી મળી રહે તેવો કોઈ નિયત સ્ત્રોત નથી. જેના કારણે આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં ભારે વિલંબ થાય છે. 5 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જોકે ત્યાં સુધી સમગ્ર કંપનીનો શેડ આગમાં સ્વાહા થઈ ગયો હતો.